Big Story: વિકાસ રામભરોસે!! અપંગ યુવાનને રોજગારી ન મળતા બન્યું પડ્યું ભિખારી, 100થી વધારે જગ્યાએ ભટક્યો, સરકારે પણ જાકારો આપ્યો, જાણો દર્દનાક કહાની

Lok Patrika
By Lok Patrika
Share this Article

Lok patrika Special ( અલ્પેશ કારેણા ): ગુજરાતના અને ગુજરાત સરકારના આપણે ખુબ વખાણ સાંભળ્યા છે. અવાર નવાર કોઈને કોઈ સિદ્ધિના કારણે વખાણ થતાં જ આવ્યા છે. પરંતુ ક્યારેય કડવી વાતો ધ્યાને લઈએ તો કોઈનું જીવન બની જાય. આજે એક એવી જ કડવી વાત તમારી સમક્ષ મુકવી છે. સરકાર અને ગુજરાતીઓની કચાશના કારણે, માણસનાઈ ન બતાવવાના કારણે અને મદદ ન કરવાના કારણે એક અપંગ યુવાનને ભિખારી બનીને ભીખ માંગવા માટે મજબૂર થવું પડ્યું છે. આ યુવાન અને તેની પત્ની બન્ને દિવ્યાંગ છે. એક 3 વર્ષની દીકરી પણ છે. આ કપલનું નામ એટલે કે વિજય ચૌહાણ બાબુભાઈ અને મમતા વિજયભાઈ ચૌહાણ… આ કપલ વિશે આજે વાત કરવી છે.

બોટાદથી 15 કિલોમીટર દુર એક ગામ આવેલું છે, આ ગામનું નામ પાડિયાદ… આ ગામમાં જઈને તમે ગમે એને પૂછો કે વિજય ચૌહાણ શું કરે છે? તો બધા કહેશે કે ભીખ માંગવાનું કામ કરે છે. તમને બે મિનિટ માટે મનમાં અનેક વિચારો આવશે, પરંતુ જ્યારે એમના ઘરે જઈને મુલાકાત કરશો તો પરિસ્થિતિ જોઈને તમારું હૈયું ચીરાઈ જશે. નાનકડું એક ઘર અને ઘરમાં 3 સભ્યો. પતિ, પત્ની અને એક 3 વર્ષની કુમળા ફૂલ જેવી દીકરી. વિજયભાઈને એક હાથ નથી, તેમની પીઠ છે ખરી પણ એમાં એટલા મોટા ખાડા છે કે આપણો આખો હાથ અંદર પ્રવેશી શકે. આજની તારીખે પણ એ એક પડખે સુઈને જ આખી રાત પસાર કરે છે. આટલું સાંભળીને તમારી આંખો પલળી ગઈ હશે, પરંતુ વાત આટલેથી અટકતી નથી. વિજયભાઈની પત્ની મમતા બેનની પણ હાલત એવી જ કપરી છે. બન્ને પગલમાં પોલિયો છે. 50 મીટર પણ ચાલી ન શકે. ક્યાંય જવું હોય તો ઘોડીનો સહારો લેવો પડે. એ પણ થોડે સુધી જ ચાલી શકાય. અને આ દંપતીની પરિસ્થિતિથી બિલકુલ અજાણ એમની દીકરી કાવ્યા.. કાવ્યાને તો એ પણ નથી ખબર કે મારા પપ્પા ભીખ માંગીને ઘર ચલાવે છે, મારી ખુશીઓ પુરી કરે છે, મારી દરેક ઈચ્છા પુરી કરે છે. કદાચ જ્યારે 3 વર્ષની કાવ્યા મોટી થશે અને પિતાની આવી હાલત વિશે ખબર પડશે ત્યારે આંખમાં આંસુ અને ભારે હૈયું સિવાય બીજું કંઈ જ નહીં બોલી શકે.

આટલી વાત સાંભળીને તમારામાંથી મોટાભાગના જ્ઞાનેશ્વરી લોકો વિચારતા હશે કે હાથ અને પગ નથી તો શું થયું? એ કંઈ પણ કામ કરીને ઘર ચલાવી જ શકે છે, એમાં ભીખ માંગવાનું કામ કરવાની ક્યાં જરૂર છે. તો આવા ભણેશ્વરી અને જ્ઞાની લોકોને મમતા અને વિજયની આખી વાત પણ અમે જણાવી દઈએ.

વિજયભાઈ 10 ફેલ છે. એટલે કોઈ નાનું મોટું કામ કરીને જ જીવન જીવવાનું હતું. પોતાના વતન પાડિયાદમાં તેઓ કલરકામ અને કડિયાકામ કરતા લોકો સાથે તગારા આપવાનું કામ કરતા. આજથી 8 વર્ષ પહેલાની વાત છે કે વિજયભાઈ રોજની જેમ જ પોતાના કામ પર ગયા અને કુદરતને કંઈક કરવું હશે એમ વિજયભાઈની સાથે કામ કરતાં એક બહેનને શોટ લાગ્યો. વિજયભાઈમાં માણસાઈ જીવતી હતી એટલે તેઓ તરત જ પોતાનું કામ પડતું મૂકીને આ બેનને બચાવવા ગયા. એમાં જ વિજયભાઈને પણ શોટ લાગ્યો અને ઘા ખાઈને જમીન પર પછડાયા. જમીન પર પછડાતાની સાથે જ એમનો હાથ, પગ અને પીઠ આખું દાઝી ગયા. તેઓ બેભાન થઈ ગયા. આજુબાજુના લોકોએ તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં અને સારવાર કરવામાં આવી. 3 દિવસ બાદ વિજયબાઈ ભાનમાં આવ્યા અને ખબર પડી કે મને પણ શોટ લાગ્યો હતો.

વાત અહીંથી પુરી નથી થતી. એ સમયે સતત 1 મહિનો વિજયભાઈ કંઈ જ ખાઈ કે પી શકતા ન હતા. કારણ કે પીઠના ભાગે એટલા ખાડા પડી ગયા હતા કે કંઈપણ ખાઈ કે પીએ તો તરત જ પાછળથી નીકળી જાય. એકપણ વસ્તુ શરીરમાં ટકતી નહી. છતાં આ રીતે એક મહિનો કાઢ્યો અને પછી ધીરે ધીરે જ્યુસથી શરૂઆત કરી અને 3 મહિના બાદ તેઓની સફળ સારવાર થઈ. છતાં આજે એક હાથ કપાવવો પડ્યો છે. પીઠમાં એટલા મોટા ખાડા છે કે તેઓને એક જ પડખે સુવું પડે છે. આટલું થયાં પછી પણ જો હાર માની જાય તો એનું નામ વિજયભાઈ ન કહેવાય. વિજયભાઈએ આ બધી ઘટનાને ભગવાનનો સંકેત સમજીને ફરી બેઠાં થયા. અમદાવાદ, રાજકોટ, બોટાદ, ભાવનગર… એમ અલગ અલગ જગ્યાએ જે પણ નાનું મોટું કામ મળે એના માટે પ્રયત્નો કર્યા. પરંતુ સભ્ય અને સંસ્કારી તેમજ ભણેલા કહેવા આ સમાજે વિજયભાઈને માત્ર અને માત્ર જાકારો જ આપ્યો, ધૂતકાર જ આવ્યો, નફરત જ આપી, હડતૂત જ કર્યા….

દરેક લોકોએ કામ નથી આપ્યું એવું પણ નથી. પરંતુ જેણે જેણે કામ આપ્યું એણે પણ મજબૂરીનો લાભ લઈ લાત મારી દીધી. એમના એકાદ- બે કિસ્સા શેર કરતાં વિજયભાઈ ખુબ જ દર્દનાક હાલતમાં જણાવે છે કે, હું અમદાવાદમાં એક ખુબ જ જાણીતી હોસ્પિટલમાં કામ માટે આવ્યો. જ્યારે દર્દીનું ઓપરેશન થઈ જાય પછી જે સાધનો હોય એ મારે સાફ કરવાનું કામ કરવાનું હતું. એ લોકોએ 15 દિવસ સુધી મારી પાસે કામ કરાવ્યું. મે પણ દિલ લગાવીને કામ કર્યું. 15 દિવસ પછી મને કહેવામાં આવ્યું કે હવે તમારાથી કામ થાય એવી હાલત નથી તમે નહીં કરી શકો. આવા અને કટુ-કટુ વેણ કહીને મને હાંકી કાઢ્યો. નોકરીમાંથી કાઢી નાખ્યો એનું પણ મને દુખ નથી. પરંતુ મને એકપણ રૂપિયો પગાર ન આપ્યો. એનાથી વિશેષ બીજી વાત કે જ્યારે પેટ્રોલ પંપ પર કામ મળ્યું તો ત્યાં પણ 15 દિવસમાં જ નોકરીમાંથી કાઢી મૂક્યો. ત્યાં એટલું સારું હતું કે મને ટિકિટના પૈસા આપી દીધા હતા. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે માણસ જાત પરથી જ વિશ્વાસ ઉઠી જતો હોય છે.

આવા અનેક ખરાબ અને કડવા અનુભવ પછી પણ જો ડગી જાય તો એમને હિમાલય ન કહી શકાય. વિજયભાઈ તો ખરેખર વિજયની પતાકા લહેરાવવા માટે જ ઘરનું ઘર અને વતન છોડીને મોટા શહેરમાં આવ્યા હતા. અમદાવાદ અને બીજા શહેરમાં પણ ખુણે ખુણે કામ અને નોકરી શોધી. પરંતુ વિજયભાઈ કદાચ ભૂલી ગયા હતા કે અહીં શહેરમાં માણસ કરતાં કામની વધારે કિંમત્ત છે. પરિસ્થિતિ કરતાં પૈસાની વધારે કિંમત્ત છે. આખરે નોકરી અને કામ ન મળતા તેઓ ફરીથી પાડિયાદમાં પોતાના ઘરે જઈને વસવાટ કરવા લાગ્યા. બસ હવે એમની પાસે કોઈ ઓપ્શન નહોતું. એક જ રસ્તો હતો કે લોકો પાસે ભીખ માંગીને જે પણ પૈસા આવે એનાથી ઘર ચલાવો અને પરિવારનું પાલન પોષણ કરો, ખરેખર પરિસ્થિતિ પણ એવી જ આવીને ઉભી રહી કે વિજયભાઈ ભીખ માગી રહ્યા છે. કામ કરવું છે, જોશ છે, જૂનુન છે, જુસ્સો છે, હિંમત્ત છે, પડકાર જીલવાની તાકાત છે…. પરંતુ આ સમાજ એમને સમજી શકે અને કામ આપી શકે એટલી માણસાઈ નથી એનો જ અફસોસ છે.

કંઈક આવી જ વાત છે વિજયભાઈના પત્ની મમતાબેનની. જ્યારે મમતાબેન 5 વર્ષના હતા ત્યારે મગજમાં તાવ ચડ્યો. તાવ એટલો આકરો હતો કે નસ જ બ્લોક થઈ ગઈ. હવે ડોક્ટરોએ કહ્યું કે જો આ નસનું ઓપરેશન કરવું હોય તો બન્ને પગ કાપવા પડશે. આપણે પોલિયો પણ કહી શકીએય આ રીતે માત્ર 5 વર્ષની ઉંમરે જ બન્ને પગમાં પોલિયો. એટલે મમતાબેન તો આજીવન નથી ચાલી શકવાના એ તૈયારીમાં જ જીવતા શીખી ગયા. આજે પણ જો માત્ર 100 મીટર જવાનું હોય તો પણ મમતાબેન કોઈના સાથ-સહારા વગર જઈ ના શકે. પરંતુ આ પરિવાર જે રીતે રહી રહ્યો છે એ ખરેખર આજના છુટ્ટેછેડાના વધતા કિસ્સા માટે મિશાલ સમાન છે.

જ્યારે વિજયભાઈ આજથી 7 વર્ષ પહેલા ( એટલે કે હાથ અને પીઠમાં તકલીફ હતી એ પછીનો સમય ) ભાવનગર એક હોસ્ટેલમાં હતા. આ હોસ્ટેલમાં આવા દરેક દિવ્યાંગોને રોજગારી મળે એ માટે કોઈને કોઈ કામ શીખવવામાં આવ્યું. આ કામ શીખતી વેળાએ વિજય અને મમતાની મુલાકાત થઈ. કદાચ આ મુલાકાત ભગવાને પહેલા જ લખી હશે. ધીરે ધીરે બન્ને વચ્ચે સંપર્ક થયો. આ કામ શીખવા આવ્યા એમાં વિજયભાઈને કામ કે નોકરી કે રોજગાર ન મળ્યો પણ આ ચોક્કસથી એક જીવનસંગીની કે જેમને ખરેખર અર્ધાગિંની કહી શકાય એવી મમતા મળી. મમતા અને વિજય આ રીતે એક વર્ષ સુધી વાતો કરી અને પછી આખરે લગ્નના બંધનમાં જન્મો જન્મ સુધી બંધાઈ ગયા. આજે બન્નેનું દામ્પત્ય જીવન ખુબ જ સરસ રીતે ચાલી રહ્યું છે અને ભગવાનની કૃપાથી એક 3 વર્ષની કાવ્યા નામેરી દીકરી પણ છે. આ દીકરીને શરીરમાં કોઈ જ ખોડ-ખાપણ નથી અને એકદમ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. મમતાબેન પણ 12 ફેલ છે એટલે બીજું કોઈ કામ કરી શકે એવી હાલત નથી. જે માણસ ચાલવા માટે જ અસમર્થ છે એમના માટે કોઈપણ કામ કરવું અઘરું થઈ જતું હોય છે.

ઘરમાં એક 3 વર્ષની દીકરી છે, એમની જિંદગી ખુબ સરસ ખીલવવી છે… પરંતુ વિજય અને મમતા વિચારી રહ્યા છે કે ભીખ માંગીને તો દીકરીને કઈ રીતે સારું જીવન આપી શકીએ. મિત્રો અને વડીલોએ આ કપલને સલાહ આપી કે તમે ઈન્સ્ટાગ્રામ પર અને સોશિયલ મીડિયામાં વીડિયો બનાવો તો તમને સપોર્ટ મળશે અને ફોલોઅર્સ વધશે તો પૈસા પણ મળશે. આ રીતે કપલે ઈન્ટરનેટની દુનિયામાં પગ મૂક્યો અને હાલમાં સરસ સરસ વીડિયો બનાવીને મૂકી રહ્યા છે. અફસોસ માત્ર એટલો જ છે કે આપણા સભ્ય સમાજને એક ફોલો કરવામાં પણ તકલીફ પડી રહી છે. રૂપાળી છોકરી, ઝીરો ફીગર, ખુલ્લા શર્ટમાં એક્શન સીન, અડધા પહેરેલા કપડાં વાળી છોકરી, ઠુમકા મારીને કમર લટકાવતી યુવતી… આવા બધાને ફોલો કરવામાં લોકોને અને યુવાનોને ખુબ રસ છે. પરંતુ આ કપલને સપોર્ટ કરનારાની કમી છે. જો આપ એક ફોલો કરીને વીડિયો જોઈ બીજા 10 લોકોને વીડિયો બતાવી ફોલો કરશો તો આ પરિવાર અને કુણા માખણ જેવી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું તમને પૂણ્ય મળશે.

વિજયભાઈ હાલમાં ભીખ માંગીને રોજના 150 થી 200 રૂપિયા કમાઈ છે. સાદી ભાષામાં કહીએ તો ખાઈને ખાવાના થાય છે એવી પરિસ્થિતિ છે. પત્ની મમતાને પણ હાલમાં દર મહિને કોઈને કોઈ મેડિકલ ખર્ચ આવે છે. માત્ર રોજના 200 રૂપિયામાં આ બધું ક્યાંથી પુરુ પડે. ઉપરથી દીકરી પણ હવે મોટી થઈ રહી છે. એમના ભવિષ્ય આગળ તો અંધારુ જ છે. ત્યારે વિજય અને મમતા કહી રહ્યા છે કે અમારા માટે કાવ્યા એ દીકરી નહીં પણ દીકરો છે. અમારે એમને દુનિયાની બધી ખુશી આપવી છે. પરંતુ અત્યારે અમે જે હાલતમાં છીએ કે કશું કરી શકતા નથી. મારી દીકરીને તો એ પણ નથી ખબર કે એનો બાપ બીજા પાસેથી ભીખ માંગીને પોતાનું પેટ ભરી રહ્યો છે. જ્યારે સવારે વિજયભાઈ માંગવા જાય ત્યારે દીકરી કાવ્યા કહે કે મને પણ લઈ જાઓ. મારે પણ માંગવા આવવું છે. વિચારો ત્યારે એક બાપ તરીકે વિજયભાઈને દિલના કેટલા ટૂકડા થઈ જતા હશે. પરંતુ તેમ છતાં ભારે હૈયે બધા જ નિ:સાસા, બધી જ તકલીફો અને દર્દનો ઘુટડો ઉતારી રોજ સવારે ભીખ માગવાનું કામ કરવા લાગી જાય છે.

વિજયભાઈ અને મમતાબેન કહે છે કે અમને કામ આપો. અમારે ભીખ નથી માંગવી. અમે દિલ લગાવીને કામ કરશું. કોઈ એકવાર અજમાવીને તો જુઓ, અમને તમારા રિઝલ્ટ માટે અમારો જીવ રેડી દઈને કામ કરશું અને પરિણામ આપો. અમારા પર કોઈ વિશ્વાસ મૂકો. જેણે પણ અમારી પર વિશ્વાસ મુક્યો અને કામ આપ્યું તેઓએ પણ ચિટિંગ જ કરી. માત્ર 3000 પગાર આપે અને એમાં પણ ના આપે એવું બન્યું છે. ઘણા લોકો પણ કહે કે અમે મદદ કરશું. 3 દિવસ પછી જો કોલ કરીએ તો કોઈ ફોન જ ના ઉપાડે. અમે તો ત્યાં સુધી કહીએ કે જો અમને કોઈ કામ ન આપી શકે, પગાર ન આપી શકે તો વાંધો નહીં. બસ અમારા ઈન્સ્ટાગ્રામ પર અમારી આઈડીને ફોલો કરી નાખો અને સપોર્ટ કરો. વીડિયો સારામાં સારો બને એવો પ્રયત્ન અમે કરીશું, બસ તમે એક મીનિટનો સમય કાઢીને અમારો વીડિયો જુઓ. અમારે અત્યારે વીડિયો બનાવવો હોય તો પણ બીજાની મદદ લઈને બનાવવો પડી રહ્યો છે. એનાથી વિશેષ કે જ્યારે ક્યાંય જવું આવવું હોય તો પણ બીજાની સહાય વગર અમે નિરાધાર જેવા બની જઈએ છીએ. બસ આપ સૌનો કોઈને કોઈ રીતે સહકાર મળશે તો અમારા માટે તમે ભગવાન જેવા છો… ભગવાન તમને જાજું આપશે એવી અમે દિલથી પ્રાર્થના કરશું…

 

View this post on Instagram

 

A post shared by 1_kavya_paliyad (@1_kavya_paliyad)


કદાચ આ સ્ટોરી સાંભળી અને વાંચીને તમે 2 મિનિટ માટે ભાવુક થયા હશો. આંખમાં આંસુ પણ આવી ગયા હશે. પણ મિત્રો માત્ર તમારી ભાવુકતા અને આંસુ સુકાય ત્યાં સુધી જ કપલને મનમાં નથી રાખવાનું. તમે ખુદ અને તમારી આજુબાજુ જેટલા લોકો છે એમના સુધી કપલની વાત પહોંચાડો. કંઈ નહીં તો એમને ફોલો કરીને મદદ કરી શકશો. તમારા મિત્ર વર્તુળમાં જે ઈન્સ્ટાગ્રામ વાપરે છે એમને પણ ફોલો કરવાની વિંનતી કરી શકો છો. હજુ 45 દિવસ થયા છે આ કપલના ઈન્સ્ટાગ્રામના આગમનના. ત્યાં જ એમના 35000 ફોલોઅર્સ થઈ ગયા છે.પરંતુ આપણે એ ફોલોઅર્સ 35 લાખ સુધી લઈ જવા છે.

 

View this post on Instagram

 

A post shared by 1_kavya_paliyad (@1_kavya_paliyad)


આ રીતે એક એક ફોલોથી વિજય અને મમતાનુંલ ઘર ચાલશે. એમની દીકરીને નવું જીવન મળશે. માત્ર તમારા એક ફોલોથી અને આંગળી ચિંધ્યાથી કોઈનું જો આખું જીવન દીપી ઉઠે તો લાગે છે કે તમારો પણ જન્મારો સફળ છે. દુખની વાત એ પણ છે કે વિજયભાઈના પિતા પણ છેલ્લા ઘણ સમયથી બીજાને ત્યાથી ભીખ માંગીને જ ઘરનું ગુજરાત ચલાવે છે. આશા રાખીએ કે વિજય અને મમતાની સ્ટોરી વાંચીને તમે તો એમને હડતૂત નહીં જ કરો, તમે તો એમને નહીં જ ધિક્કારો, તમે તો એમના જોશ જુસ્સાને નબળો નહીં જ પાડો…

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly