Lok patrika special: સેવાધારી લોકોને સેવા કરવા માટે કોઈ સુવિધાની જરૂર નથી અને કોઈ દુવિધા એમને રોકી શકતી નથી. શહેરમાં લોકોમાં સેવાભાવ ઓછો જોવા મળે એવી એક માન્યતા વર્ષોથી પ્રચલિત છે. પરંતુ કદાચ હવે આ વાતને આપણે સૌ ભૂલવી પડશે. અમદાવાદ જેવા વર્લ્ડ હેરિટેજ સિટી અને મેગા સિટીમાં પણ લોકો જે પ્રકારની સેવા આપી રહ્યા છે એ ખરેખર કાબિલ-એ-દાદ છે.
આજે એક એવા જ સેવાધારી બહેન વિશે વાત કરવી છે કે જેમણે સંસારમાં રહીને એવી સેવા કરી બતાવી છે અને હજુ કરી રહ્યા છે કે જ્યાં અનેક એવોર્ડો નતમસ્તક છે. નવરંગપુરામાં રહેતા 55 વર્ષના નયનાબેન મિસ્ત્રીના કરીએ એટલા વખાણ ઓછા પડશે. તો આવો જાણીએ નયનાબેનની રાજકીય ઈતિહાસ, તેમના હોદ્દો, તેમની સેવા અને તેમના સંકલ્પો….
આમ તો નયનાબેનનું પિયર વિજાપુર ગામ. પરંતુ 1983ના વર્ષમાં તેઓના લગ્ન થયા અને અમદાવાદમાં સેટલ થવાનું થયું. એમના પતિ ડ્રાઈવિંગનું કામ કરતા અને તેઓ લગ્ન પછીના શરૂઆતના દિવસોમાં રસોઈનું કામ કરતા. આ રીતે ઘરનું ગુજરાત ચાતલું. નયનાબેનને એક પુત્રી પણ છે અને પુત્રીની પણ એક પુત્રી છે. એટલે આમ જોવા જઈએ તો ત્રણ ત્રણ શક્તિઓ સાથે તેઓ સીધા સંલગ્ન છે. પરંતુ નયનાબેન ઘરની સાથે સાથે ઘરની બહાર જરૂરિયાતમંદ લોકો અને મહિલાઓ માટે જે કામ કરી રહ્યા છે એ ખરેખર 100 તોપોની સલામી આપવા જેવા છે.
તેઓ નવરંપુરા વોર્ડમાં ભાજપમા સંગઠન મંત્રી તરીકે તો સેવા આપી જ રહ્યા છે. પરંતુ આ હોદ્દાની સાથે સાથે અનેક મહિલાઓને રાત દિવસ મદદ કરી રહ્યા છે, એક કર્મચારી તરીકે કોઈને સલાહ આપવી એ ફરજનો ભાગ છે પરંતુ કોઈ જ આશા-અપેક્ષા વગર જ્યારે માત્ર ને માત્રન લોકોના હિત માટે કામ કરવાનું આવે ત્યારે લોકો થોડીવારમાં થાકી જતા હોય છે. પરંતુ નયનાબેન લોક કલ્યાણનું આ કામ છેલ્લા 10 વર્ષથી એ જ ગતિએ કરી રહ્યાં છે અને કહ્યું છે કે જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું સેવા કરતી રહીશ.
નયનાબેન નવરંગપુરા ગામ સહ સહાય સખી સંઘ ચલાવી રહ્યા છે કે જેમાં 15 જેટલા સખી મંડળ છે. આ દરેક મંડળમાં 10-10 બહેનો છે. એમાં કોઈ આર્થિક રીતે પછાત છે, તો કોઈ શારીરિક દિવ્યાંગ છે. કોઈ વિધવા છે તો કોઈ ભણેલા નથી. એવી દરેક બહેનો કે જેમને કોઈને કોઈ રીતે ટેકાની જરૂર છે ત્યાં નયનાબેન અર્હનિશ સેવા માટે હાજર રહે છે. છેલ્લા 10 વર્ષથી આવી સેવા આપવા પાછળ કઈ ઘટના છે એ પણ જાણવી એટલી જ રસપ્રદ છે. નયનાબેન જણાવે છે કે જ્યારે હું કોઈ પણ પ્રકારની પાર્ટીમાં નહોતી કે કોઈ હોદ્દા પર નહોતી ત્યારની આ વાત છે.
હું એક વખત સરકારી ઓફિસમાં મારા કામથી ગઈ અને જોયું તો કેટલીક બહેનો ઘણી બધી સરકારી યોજનાનો લાભ લઈ રહી હતી. પરંતુ જ્યારે જોયું કે આપણી બહેનોને આ વિશે ઓછી ખબર હતી. તો મે નક્કી કર્યું કે આપણી બહેનોને પણ લાભ કેમ ન મળે. મારી પાસે ઘણી યોજના વિશે નોલેજ હતું એટલે મે એ રીતે બીજી મહિલાઓને મદદ કરવાનું શરૂ કર્યું. બસ એ જ રીતે આજદિન સુધી મારી એ સેવા શરૂ છે.
નયનાબેન પાસે સેવા લેવા આવનાર બહેનોનો કોઈ પાર નથી. અંદાજે 400 કરતાં પણ વધારે મહિલાઓ સાથે નયનાબેન સીધા સંપર્કમાં છે. સરકારની કોઈપણ યોજના હોય તો એમની માહિતી નયનાબેન પાસે હોય. એ પછી મહિલાઓને રાશન કિટ મળવાની યોજના હોય, સીવણ મશીનની યોજના હોય, વિધવા માટે પૈસા મળવાની યોજના હોય, ગેસ કનેક્શન મળવાની યોજના હોય કે એમના સંતાનો માટે સરકારની કોઈ યોજના હોય. નયનાબેન પાસે દરેક યોજનાની સુપેરે માહિતી રહે છે અને છેલ્લા 10 વર્ષથી સેવાના રૂપમાં લોકોમાં વહેંચી રહ્યા છે.
હાલમાં નવરંગપુરમાં તેઓ AMCની એક ઓફિસમાં બેસીને એક પણ રૂપિયો પગાર લીધા વગર સવારથી સાંજ સુધી ત્યાં બેસે છે અને જે પણ લોકો આવી યોજના વિશે માહિતી લેવા આવે એમને માહિતી આપે છે. કેટલાય પરિવારોને નવું જીવન આપવામાં નયનાબેનનો હાથ છે. આજે નવરંગપુરામાં સારા રસ્તા અને પાણીની વ્યવસ્થા છે તો એમાં પણ નયનાબેનનો અતુલ્ય ફાળો છે.
એવી બહેનો કે જેણે સરકારી ઓફિસમાં ધક્કા ખાઈ-ખાઈને પોતાના ચપ્પલ ઘસી નાખ્યા, છતાં એમને જવાબ નથી મળતો, ત્યારે આવા બહેનો માટે નયનાબેન ફરિસ્તા સમાન કામ કરે છે. આજે કેટલાય એવા પરિવાર છે જે નયનાબેનને ભગવાન માને છે, કારણ કે એમના જીવનમાં અને એમના પરિવારમાં એમના લીધે અંધારામાંથી અજવાશ થયો છે. એક કિસ્સા જણાવતા નયનાબેન વાત કરે છે કે કોરોના પુરો થયો અને તરત જ એક મહિલા મારી પાસે આવ્યા. આવતા વેંત જ એમણે રજુઆત કરી અને કહ્યું- નયનાબેન મારે 3 વર્ષથી વિધવા પેન્શનના પૈસા નથી આવ્યા. અંદાજે આ રકમ 50,000 જેવી થાય છે. એક મહિનાના 1250 રૂપિયા સરકાર તરફથી મળે છે. જે ત્રણ વર્ષથી એમના ખાતામાં જમા જ નહોતા થયા.
એ મહિલા પગેથી ચાલવામાં પણ અસમર્થ હતા, ત્યારે નયનાબેન એમના માટે ફરિસ્તો બનીને આવ્યો અને પોતે પોતાના ખર્ચે દરેક સરકારી ઓફિસમાં ફર્યા. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં એમણે ફોન કર્યો અને 2 મહિનાની મહેનત બાદ એ લાચાર મહિલાને 50,000 રૂપિયા અપાવ્યા. એ બહેન નયનાબેનને પગે પડીને કહેવા લાગ્યા કે આ 50,000માંથી તમારે જેટલા જોઈએ એટલા રૂપિયા લઈ લો. ત્યારે નયનાબેન એક પણ રૂપિયો નથી લેતા. કેટલીય વખત દબાણ કર્યા બાદ નયનાબેન એમની ભાણી માટે 1000 રૂપિયા લે છે. આવા તો અનેક કિસ્સાઓ નયનાબેન સાથે બન્યા છે કે જ્યાં માનવતા મહેકી અને સેવાના પર્યાય સાબિત થયા.
લોકોની બેફામ સેવા કરવી અને એકપણ રૂપિયો લીધા વગર કરવી એટલે પહેલી નજરે તો લોકોના મનમાં નયનાબેન વિશે એવો જ ખ્યાલ આવે કે ખુબ અમીર ઘરના હશે. પરંતુ એવું જરાય નથી. આજની તારીખે પણ નયનાબેન ભાડાના મકાનમાં જ રહે છે અને એમના પતિ ડ્રાઈવિંગનું કામ કરીને ગુજરાત ચલાવે છે. આ રાજનીતિમાં બેઠેલાં અમુક આકાઓને એવું છે કે નયનાબેન તો સેવાના નામે લાખો છાપતાં હશે.
પરંતુ નયનાબેને ક્યારેય એકપણ રૂપિયો કઈ પાસેથી 10 વર્ષના ઈતિહાસમાં નથી લીધો. નયનાબેનનું એવું સ્પષ્ટપણે માનવું છે કે જો મને કોઈ કહેશે કે રાજનીતિ છોડો કાં તો સેવા કરવાનું છોડો.. જ્યારે બેમાંથી એક વસ્તુમાં મારી પસંદગી કરવાની આવશે તો હું હંમેશા રાજનીતિને છોડી દઈશ અને સેવાને જ મારું અંતિમ ધ્યેય બનાવીશ. સરકારમાંથી પણ ઓફર આવશે કે કોઈ બિઝનેસમેનની ઓફર આવશે, મને કોઈ જ ફરક નહીં પડે. લોક કલ્યાણ માટે હું મારા છેલ્લા શ્વાસ સુધી કામ કરતી રહીશ.
સામાન્ય માણસના જીવનમાં જેમ સંઘર્ષ આવે એમ સેવાધારી લોકોના જીવનમાં પણ અનેક સંઘર્ષો આવતા હોય છે. નયનાબેન પોતાના સંઘર્ષનો એક કિસ્સો જણાવે છે કે જ્યારે મારી દીકરી ધોરણ 10માં હતી ત્યારે મારા પતિને લકવો થયો. એ પ્રકારે લકવો થયો કે બધા જ કામ બંધ. ઘરમાં મુખ્ય કમાણીનો સોર્સ જ બંધ થઈ ગયો. ત્યારે બીજા લોકોએ પણ મને કહ્યું કે હવે તમારા પતિ ફરીથી ક્યારેય ઉભા થાય એવું નથી લાગતું. પરંતુ આ તો નયનાબેન હતા. એમ થોડાં હિમત્ત હારે. 4 જેટલા ફિજિયો થેરાપીસ્ટ રાખ્યા. એક તરફ પતિની સારવારનો ખર્ચ તો બીજી બાજુ દીકરીના 10માં ધોરણથી ફી… આ રીતે નયનાબેન એક જ કમાનાર વધ્યા. એકસાથે ચાર ચાર ઘરમાં નયનાબેન કામ કરતા, એનાથી પણ પુરુ ના પડ્યું તો બધા ઘરેણાં પણ વેચી દીધા. માત્ર 6 મહિનામાં જ પતિને પણ સાજા કરીને દોડતા કરી દીધા. દીકરીને પણ જ્યાં સુધી ભણવું હતું ત્યાં સુધી ભણાવી અને આજે હજુ પણ આ દિવસો નયનાબેન યાદ કરે ત્યારે સહજ રીતે એમના ચહેરા પર સંઘર્ષની આશી રેખા ઉભરી આવતી દેખાય છે.
આમ તો નયનાબેનની અનેક સેવાઓ અને કાર્યો છે. પરંતુ એક વાતનો ખાસ ઉલ્લેખ કરવાનું મન થાય કે ગુલબાઈ ટેકરા જેવા વિસ્તારમાં એમણે મહિલાઓ માટે ખુબ કામ કર્યું છે. જે વિસ્તારમાં સામાન્ય રીતે લોકો જતાં પણ ડરે છે એવા વિસ્તારમાં મહિલાઓને ઘરે ઘરે મળ્યા, એમના માટે બેંક એકાઉન્ટ ખોલ્યા, એમના બાળકોને ભણાવવા માટે નવી પહેલ કરી… જરૂર પડી તો બેંક મેનેજર અને બેંક સ્ટાફ સાથે પણ વાત કરી અને ગુલબાઈ ટેકરાની મહિલાઓના બેંકમાં આજે ખાતા ખુલી ગયા છે. ન માત્ર ખાતા ખુલી ગયા પણ સાથે સાથે એમને મળવાપાત્ર દરેક સહાય પણ મળવાની શરૂ થઈ ગઈ છે.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
નવરંપુરા, મીઠાખળી, પાલડી, રાજીવનગર આશ્રમ રોડ… આવા અનેક વિસ્તારમાં સીધી રીતે મહિલાઓને મદદ કરીને નયનાબેન સેવા આપી રહ્યાં છે. જો તમે પણ તમારે ત્યાં કોઈ સેમિનાર રાખી લોકોને સરકારી યોજના વિશે જાણકારી આપવા માંગતા હોય તો નયનાબેનને આ નંબર પર ( 9714496207 ) સંપર્ક કરી બોલાવી શકો છો. નયનાબેન આવા સેમિનાર માટે એકપણ રૂપિયો નથી લેતા. પોતાના સ્વખર્ચે સેમિનારમાં જાય છે અને મહિલાઓ તેમજ લોકોને સરકારી યોજનાની માહિતીથી રૂબરુ કરી રહ્યા છે. એનાથી પણ વિશેષ વાત તો એ છે કે જીવતા તો નયનાબેન સેવા કરી રહ્યા છે, સાથે જ તેમણે ઓર્ગન ડોનેશન કરીને મૃત્યુ બાદ પણ સેવાની જ્યોત ચાલુ રાખી છે.