આંગણે ઉગ્યો રમતો ખેલતો એક છોડવો,
નાજુક,નમણો પાને પાને ચડતો એક છોડવો.
ચાર ફેરા ફરીને થયો એતો સાવ પારકો આજ
ફળ,ફૂલ આપવા બીજી માટીમાં ભળતો એ છોડવો.
બાપ ઢોલનાં ઢમકારે ધ્રૂસકા ભરી ભરીને
આંસુ પાઈ પાઈને ઊખેડતો એ છોડવો.
આ રીત કેવી જો કોઈથી જાલી ન જલાઇ,
તરફડીયા મારે જમીન જ્યાંથી ઉખડતો એ છોડવો.
– કૃષ્ણપ્રિયા
પિયરમાં મારું મારું કરતી દીકરી ક્યારે તણખલાની જેમ બધું છોડીને સાસરાના ઘરને પોતાનું માની બેસે છે,એ દીકરીના સ્વભાવની મોટાઈ આજ સુધી કોઈને સમજાણી
નથી.અને ક્યારેય કોઈ સમજી પણ શકશે નહીં.ભાઈને ગમતું અને ભાવતું બધું જ ભાઈ માટે રાખી દેતી બહેન,નાનપણથી માંડીને સાસરે જાય ત્યારે પણ,
પોતાના દસે દસ આંગળાની છાપ આપીને એમ કહેતી જાય છે કે,આજથી મારું સાસરું જ મારાં માટે સર્વસ્વ છે.મને માવતરના ઘરની એક વસ્તુ ય ન ખપે.દીકરીની આ ત્યાગ ભાવના પણ અનન્ય છે.દીકરીની આમ બધું એક ઝાટકે છોડી દેવાની ભાવના તો સ્વયં દેવ પણ સમજી શક્યા નથી.સીતા માતા પર ગમે તેટલા દુઃખ પડ્યા છતાં એ ક્યારેય જનક રાજાના ઘરે ગયા ન હતાં.આ વાતમાં રામ દેવ હોવા છતાં પણ સીતાને તોલે ના પહોંચી શક્યા.
ઉંમરલાયક થતાં દીકરીને સારું ઠેકાણું ગોતીને માવતર પરણાવી તો દે છે.પરંતુ પછી એ વિષય હરેક મા-બાપનો રહે છે કે,દીકરી સુખી તો છે ને?સાસરિયાનું દુઃખ મા પાસે રડીને કહેતી દીકરી પિતાને પોતે દુઃખી છે,એની ભણક પણ પડવા દેતી નથી.કાલ સુધી પિયરને જ બધું માનતી દીકરી મુશ્કેલીના સમયે પિતાએ મદદ રૂપે આપેલા પૈસા”ઉછીના છે”એવું કહે છે.
બાપ તો દીકરીની મુશ્કેલીનાં સમયે દીકરીની જરૂરીયાત પુરી પાડવા વારંવાર કહેતો રહે છે કે,
” દિકરી તું મારા દિકરાની તોલે જ છો.મારી મિલકતમાં તારો અડધો ભાગ મેં તને પહેલેથી જ આપી દીધો છે.તું ચિંતા ના કર!વધારે કોચવાસ શા માટે?તારો અધિકાર જેમ મારાં પર છે,એમ જ મારાં પૈસા પર પણ તારો પુરેપુરો હક છે.”
બાપના આટલું સમજાવવા છતાં પણ દીકરી બાપ પાસેથી કાંઈ માંગતી નથી.દુઃખના સમયે મુશ્કેલીના એ શીખરો પાર કરવા આગળ વધી જાય છે.પોતાનાં પિતાને એ આટલી દુઃખી હોવા છતાં કહીં શકતી નથી.કેમકે,એ જાણે છે કે,જો પોતાનું દુઃખ પિતા જાણી જાશે તો એ કોઈ દી’એનું તૂટેલું હદય ભેગું નહીં કરી શકે.આ એક દીકરી જ કરી શકે.બાકી દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે દીકરીની જેમ બાપને સમજી શકે.બાપના રુદિયાની વેદનાઓ દીકરીએ જ તો જાણી છે!બાપના રુદિયાની વેદનાઓ દીકરીએ જ તો જાણી છે.
– કૃષ્ણપ્રિયા