રબારી સમાજમાં પહેલો પદ્મશ્રી, માલધારી સમાજના અગ્રણી માલજીભાઈ દેસાઈના કામનો આખા દેશમાં દબદબો, મોદી સરકારે લીધી ખાસ નોંધ

માલજીભાઈ દેસાઈનું નામ આખા ગુજરાતમાં લગભગ દરેકે સાંભળ્યું છે. તેમને હવે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. ચાણસ્મા તાલુકાના લણવાના વતની અને ગાંધી આશ્રમ ઝીલીઆના સંચાલક અને ‘મોટાભાઈ’ના હુલામણાથી જાણીતા લોકસેવક માલજીભાઈ દેસાઈ કોઈ ઓળખાણના મોહતાજ નથી. રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડ અપાતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સાથે જ માલધારી સમાજના આગેવોનોનું એવું કહેવું છે કે અમારા સમાજમાં પહેલો પદ્મશ્રી આવ્યો છે. જ્યારે ઘર આંગણે કોઈ પ્રસંગ હોય એના કરતાં પણ આ એવોર્ડ બેવડી ખુશી આપે છે. તેમજ સમગ્ર ગુજરાતના માલધારી સમાજે પ્રશંસા કરી આ અવોર્ડને વખાણ્યો છે.

માલજીભાઈ વિશે વાત કરીએ તો પ્રખર ગાંધીવાદી વિચારધારા થકી હંમેશા સત્ય અને સાદગીને જીવનમંત્ર બનાવી માલધારી સમાજના અગ્રણી એવા માલજીભાઈએ ઉ.ગુજરાતમાં સેવાદળ, પછાત વર્ગોના છાત્રાલયો, આશ્રામ શાળાઓ, સર્વોદય, વિવિધ ખાદી ગ્રામોદ્યોગ, દૂધસાગર ડેરી સહિતની સહકારી સંસ્થાઓ તેમજ ઝીલીયા ગાંધી આશ્રમના સંચાલક અને બુનિયાદી શિક્ષણ સહિતની શૈક્ષણિક પ્રવૃત્તિઓના હિમાયતી રહ્યા છે.

આ સાથે જ વાત કરવામાં આવે તો અવિભાજીત મહેસાણા જિલ્લાના પાટણ સહિતના પછાત વિસ્તારો ઉપરાંત પોતાના પશુધનને બચાવવા માટે ઉનાળામાં કચ્છમાંથી અહીં સ્થળાંતર કરી આવતા માલધારીઓના બાળકોને પણ શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા. માલજીભાઈની મહેનતના કારણે કચ્છના પછાત અને ગરીબ પરિવારોના અનેક બાળકો આજે પગભર થઈ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

નોંધપાત્ર છે કે, ગાંધી વિચારને વરેલા બાબુભાઈ શાહે જ્યારે ગાંધી આશ્રામ સ્થાપવા માટે ઝીલીયા પાસે નદીના કિનારે ઉબડખાબડ અને જંગલી વૃક્ષોથી ઘેરાયેલા સ્થળની પસંદગી કરી ત્યારે કોઈ માનવા તૈયાર ન હોતું કે, આ સ્થળ ઉપર હરીયાળી ફેલાશે અને ગાંધી આશ્રામ મોટો વટવૃક્ષ બનશે. આ કાર્યમાં માલજીભાઈ દેસાઈ અને ધીણોજના પ્રતાપભાઈ મોતીભાઈ ચૌધરી સહિતના અનેક કાર્યકરોએ નાનપણથી જ સેવાયજ્ઞ ચલાવ્યો હતો.

ઝીલીયાના ગાંધી આશ્રમમાં તેમણે આર્યુવેદિક વનસ્પતિઓ માટે બગીચો પણ તૈયાર કર્યો હતો. ગાંધી આશ્રમમાં આજે પણ ગરીબોની સારવાર માટે આયુર્વેદિક ર્ડૉકટર ફરજ બજાવે છે અને દવાખાનાનો નિભાવ ખર્ચ ગાંધી આશ્રમ ભોગવે છે. તેઓએ ચાણસ્મા બેઠક ઉપરથી વિધાનસભામાં જઈ ખેડૂતો અને પશુપાલકો માટે અનેક રજૂઆતો અને કાર્યો કર્યા છે. ઝીલીયા ગાંધી આશ્રામના પછાત બાળકોના શિક્ષણ માટે તેઓએ સમગ્ર જીવન સમર્પીત કરી દીધું છે.

આજે ભારત સરકાર દ્વારા માલજીભાઈ દેસાઈને શૈક્ષણિક તેમજ લોકોઉપયોગી કાર્યો માટે પદ્મશ્રીના સમાચાર જાણી સમગ્ર ઉ.ગુજરાતમાં આનંદની લાગણી છવાઈ છે અને આ માટે માલજીભાઈ ઉપર મિત્રો અને પરીચિતોએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.

Translate »