મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પ્રોડ્યુસર ફ્રેન્ડ આનંદ પંડિત માટે ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો!


ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા થોડા સમયથી અવનવા પ્રયોગો થઈ રહ્યા છે અને નવા-નવા વિષયો સાથે ફિલ્મો બનતી થઈ છે. ગુજરાતી ફિલ્મસર્જકો જોખમ ઉઠાવતા થયા છે. અગાઉ ગુજરાતી ફિલ્મોની જે ઈમેજ હતી એના કરતા ૧૮૦ ડિગ્રીના છેડે જઈને ઘણા સર્જકો ફિલ્મો બનાવી રહ્યા છે.

આવી જ એક અનોખી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ બોલીવુડના વિખ્યાત પ્રોડ્યુસર આનંદ પંડિત તેમના બેનર ‘આનંદ પંડિત મોશન પિક્ચર્સ’ હેઠળ બનાવી રહ્યા છે. એ ફિલ્મમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચને કેમિયો કર્યો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ગુજરાતીમાં ડાયલોગ્સ બોલતા જોવા મળશે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ એક માઈલસ્ટોન સમી ઘટના ગણાય કે અમિતાભ બચ્ચન જેવા મેગા સ્ટાર કોઈ ગુજરાતી ફિલ્મમાં અભિનય કરે.

આ ફિલ્મ માટે શૂટિંગ કર્યા પછી અમિતાભ બચ્ચને તેમના બ્લોગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લખ્યું હતું કે ‘નો કવેશ્ચન્સ આસ્કડ, નો આન્સર ગીવન. ડિડ ફોર અ ફ્રેન્ડ’. એટલે કે ‘નથી મેં કોઈ સવાલો કર્યા, નથી મને કોઈ જવાબો અપાયા. મેં મિત્ર માટે આ ફિલ્મ કરી છે.’
એટલે કે અમિતાભ બચ્ચને આનંદ પંડિત સાથેની મિત્રતાને કારણે ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવાનું પસંદ કર્યું.


હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધા લોકો જાણે છે કે અમિતાભ બચ્ચન અને આનંદ પંડિત વચ્ચે ગાઢ મૈત્રી છે. થોડા સમય અગાઉ અમિતાભ બચ્ચન આનંદ પંડિતની એક ઈવેન્ટમાં હાજરી આપવા ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આનંદ પંડિત મારા મિત્ર છે. અને હવે તો તેઓ મારા પરિવારના સભ્ય સમા બની ગયા છે.’

પ્રોડ્યુસર આનંદ પંડિતે તેમની ફિલ્મમાં અમિતાભ બચ્ચનના કેમિયો વિશે કહ્યું હતું કે ‘અમિતજી સાથે મારે પારિવારિક સંબંધો છે અને તેમના જેવા લિવિંગ લેજન્ડ સાથે કામ કરવાનું સપનું બોલીવુડના દરેક પ્રોડ્યુસર અને ડિરેક્ટરનું હોય છે.

હું ગુજરાતનો – અમદાવાદનો વતની છું. અને અમદાવાદના થિયેટર્સમાં અમિતજીની ફિલ્મો જોવા જતો. મારા માટે આનંદ અને ગૌરવની વાત છે કે અમિતજીને ગુજરાતી ફિલ્મોના પડદા પર લાવવાનું મારી ફિલ્મને કારણે શક્ય બન્યું. અમે અગાઉ ‘ચહેરે’ ફિલ્મ સાથે મળીને કરી હતી પરંતુ અમિતજી મારી ગુજરાતી ફિલ્મમાં કોઈ અપેક્ષા વિના મિત્રભાવે કામ કરશે એવી કલ્પના મને પણ નહોતી. પણ તેમણે ઉમળકાભેર મારી આ ફિલ્મ માટે સમય કાઢ્યો એ માટે તેમનો હું ખૂબ આભારી છું.’

પંડિતે ઉમેર્યું હતું કે અમારી આ ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ અલગ જ પ્રકારના વિષય પર બનેલી છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અલગ જ ચીલો ચાતરશે એવો મને વિશ્વાસ છે.’

આનંદ પંડિત અત્યાર સુધીમાં 53 ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂક્યા છે, જેમાં હિન્દી, મરાઠી અને ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. બોલીવુડના નામાંકિત ચહેરાઓ તેમની પાર્ટીમાં જોવા મળતા હોય છે.

આ અગાઉ આનંદ પંડિત અમિતાભ બચ્ચન સાથે ‘ચહેરે’ ફિલ્મ બનાવી ચૂક્યા છે. એ ફિલ્મનું નિર્માણ આનંદ પંડિત અને અમિતાભ બચ્ચનની કંપનીએ સાથે મળીને કર્યું હતું. એ સિવાય આનંદ પંડિતે અભિષેક બચ્ચનને હીરો તરીકે લઈને ‘બિગ બુલ’ ફિલ્મ પણ બનાવી હતી.

અમિતાભ બચ્ચન જેવા લિવિંગ લેજન્ડ કોઈ ગુજરાતી ફિલ્મમાં જોવા મળે એ અકલ્પ્ય કહી શકાય એવી વાત ગણાય. એટલે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને જોવા માટે ગુજરાતી પ્રેક્ષકોમાં ખૂબ જ ઉત્સુકતા રહેશે એ નિશ્ચિત છે.

Translate »