હમ દોનો હૈ અલગ અલગ, હમ દોનો હૈ જુદા જુદા….રવિન્દ્ર જાડેજા અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ડખો, જાડેજાએ cskની બધી જ પોસ્ટ ડિલીટ કરી નાખી

રવિન્દ્ર જાડેજા અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. જાડેજાના એક પગલાથી તો એવું જ લાગી રહ્યું છે. જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે સબંધિત બધી પોસ્ટ હટાવી લીધી છે. ત્યારબાદ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે કે, જાડેજા અને આઈપીએલ ફ્રેન્ચાઈઝી સીએસકે વચ્ચેના સબંધોમાં દરાર વધી ગઈ છે અને આગળ બન્નેના રસ્તા અલગ પણ થઈ શકે છે.

જાડેજા અને સીએસકે પહેલાથી જ એક-બીજાને અનફોલો કરી ચૂક્યા છે અને હવે ઓલરાઉન્ડરે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે સબંધિત બધી પોસ્ટ હટાવી લીધી છે. આવી સ્થિતિમાં હવે ફેન્સને પણ લાગવા લાગ્યું છે કે, જાડેજા અને સીએસકે ટીમ મેનેજમેન્ટ વચ્ચે સબંધોમાં ખટાસ આવી ગઈ છે. દર વર્ષે મહેન્દ્ર સિંહ ધોનીને જન્મદિવસની શુભકામના આપનારા જાડેજાએ આ વખતે પોતાના વર્ષો જૂના મિત્ર માહીને બર્થડે વિશ પણ નહોતું કર્યું. ૭ જુલાઈના રોજ ધોનીનો જન્મદિવસ હતો.

જાડેજા ૨૦૧૨માં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જાેડાયા હતા અને ત્યારથી તેઓ આ ટીમની સાથે હતા. વીતેલા ૧૦ વર્ષોમાં તેમણે સીએસકે સાથે ૨ આઈપીએલ ખિતાબ પણ જીત્યા હતા. આઈપીએલ ૨૦૨૨ના થોડા દિવસ અગાઉ જ ૩૩ વર્ષના જાડેજાને મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ ૪ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. પરંતુ જાડેજાને અચાનક મળેલી કેપ્ટનશીપની જવાબદારી યોગ્ય રીતે સંભાળી ન શક્યા. કપ્તાની હેઠળ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

તેમની કેપ્ટનશીપ હેઠળ સીએસકે ૮ મેચમાંથી માત્ર ૨ જ જીતી હતી. કેપ્ટલશીપના દબાવને કારણે જાડેજાનું પોતાનું પ્રદર્શન પણ ખરાબ થઈ ગયું. તેમણે ૧૦ મેચમાં ૧૯ની એવરેજથી માત્ર ૧૧૬ રન બનાવ્યા અને ૫ જ વિકેટ લીધી હતી. ત્યારબાદ તેમણે સીઝનમાં અધવચ્ચે કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ધોનીને બીજી વખત કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.

સીએસકેએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાડેજાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન પસંદ કરવામાં આવેલ ભારતીય ટીમના વાઈસ કેપ્ટન બનાવવા પર અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સીએસકે સાથે સબંધિત પોસ્ટ ડિલીટ કરીને આ વિવાદને ફરીથી વેગ આપ્યો છે. આઈપીએલ ૨૦૨૨માં ખરાબ પ્રદર્શન અને ઈજા બાદ જાડેજાએ સારી વાપસી કરી છે. તેમણે તાજેતરમાં ઈંગ્લેન્ડની સામે એજબેસ્ટનમાં યોજાયેલી રીશેડ્યુલ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ ટેસ્ટમાં જાડેજાએ ઋષભ પંત સાથે છઠ્ઠી વિકેટ માટે ૨૨૨ રનની ભાગીદારી કરી મેચમાં ભારતની વાપસી કરાવી હતી.

Translate »