દશેરાના 10 દિવસ પહેલાં ‘રાવણ’નું નિધન, રિયલ જીવનમાં રાવણનો ‘રામ’ પ્રત્યેનો પ્રેમ જોઈ છક રહી જશો, મોરારિબાપુના હાથે કરાવી’તી મૂર્તિની સ્થાપના

ટીવીમાં રાવણનું પાત્ર ભજવતા અરવિંદ ત્રિવેદીએ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. ઘરે ઘરે પ્રખ્યાત આ અભિનેતા ગુજરાતની આન-બાન-શાન હતા. ટીવીમાં લોકોએ આ પાત્રને ખુબ વખાણ્યું છે. રિયલ લાઈફમાં પણ તેઓ લંકેશના નામે જાણીતા થઈ ગયા હતા. પરંતુ રિયલ લાઈફમાં અરવિંદ ભાઈનો રામ પ્રેમ જોઈને તમને પણ નવાઈ લાગશે.

એક ઈન્ટરવ્યુમાં અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જ્યારે હું સિરિયલમાં રાવણનું પાત્ર ભજવતો ત્યારે શૂટિંગમાં જતા સમયે રામના ફોટાની પૂજા કરતો હતો. તમે જે પાત્ર ભજવો છો એનો પણ આદર કરવો જોઈએ અને તેથી જ હું રાવણની પૂજા કરતો હતો. શૂટિંગથી પરત આવીને અરવિંદ ઘરે રામની સ્તુતિ કરતા હતા, કારણ કે શૂટિંગ દરમિયાન તેમણે રામ વિશે ઘણા જ અપમાનજનક સંવાદો કહ્યા હતા. કહેવાય છે કે ટીવીના રાવણે પોતાના ઘરમાં મોરારિબાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદી આજે રામભક્ત બની ગયા છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ સમગ્ર દેશમાં જાણીતા બની ગયા હતા.

ઉલ્લેખનીય છે કે અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું છે. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ્સ દ્વારા તેમને ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી. અરવિંદ ત્રિવેદીએ ‘સંતુરંગીલી’, ‘હોથલ પદમણી’,’કુંવરબાઈનું મામેરું’, ‘જેસલ-તોરલ’ અને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મ્સ આપી છે.

Translate »