વાદ વિવાદના વંટોળ વચ્ચે મુકેશ અંબાણીએ કરી દીધી મોટી જાહેરાત, દિવાળી સુધીમાં દેશના દરેક મોટા શહેરમાં રિલાયન્સ 5G સેવા શરૂ કરશે

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એ આજે કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગમાં ૫જી ટેલિકોમ સર્વિસ લોન્ચ કરવા અંગે મોટી જાહેરાત કરી છે. રિલાયન્સે તાજેતરમાં જ ૫જી સ્પેક્ટ્રમની ખરીદી કરી છે અને દિવાળી સુધીમાં દેશના દરેક મોટા શહેરમાં ૫જી સર્વિસ શરૂ થઈ જવાની શક્યતા છે. ત્યાર બાદ નાના શહેરોનો વારો આવશે.

મુકેશ અંબાણીએ કહ્યું કે ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં દરેક નાના-મોટા શહેરમાં ૫જી સર્વિસ લોન્ચ થશે. આજે એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે અમે ૫જી સર્વિસ માટે બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રિલાયન્સ જિયો વિશ્વમાં સૌથી ઝડપથી ૫જી રોલઆઉટ પ્લાન સાથે સજ્જ છે.

આ પ્રસંગે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ કહ્યું કે, ૫જીમાં પુષ્કળ શક્યતા રહેલી છે જે આપણા દેશના કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. તેનાથી એગ્રીકલ્ચર, હેલ્થકેર અને એજ્યુકેશન ક્ષેત્રે ચિત્ર બદલાઈ જશે. રિલાયન્સની એજીએમમાં ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ જાહેર થઈ હતી.

જેમાંથી એક જિયો ક્લાઉડ પીસી પણ સામેલ છે. તેમાં જિયોફાઈબરનો ઉપયોગ કરીને ગ્રાહકો એક વર્ચ્યુઅલ પીસીનો ઉપયોગ કરી શકશે. તેના માટે કોઈ નવું રોકાણ કરવાની કે અપગ્રેડ કરવાની જરૂર નહીં પડે. પીસીનો પાવર મેળવવા માટે તે એક સુપર એફોર્ડેબલ રસ્તો છે. ૫જી માટે પણ જિયો તેના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરાશે જે સ્ટેન્ડ-અલોન ૫જી તરીકે ઓળખાશે. તે ૪જી નેટવર્ક પર બિલકુલ આધારિત નહીં હોય.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સે તમામ બિઝનેસમાં જાેરદાર વૃદ્ધિ કરી છે અને હવે કંપનીની આવક ૧૦૦ અબજ ડોલરને પાર કરી જશે. રિલાયન્સની કોન્સોલિડેટેડ રેવન્યુ ૪૭ ટકા વધીને રૂ. ૭.૯૩ લાખ કરોડને પાર કરી ગઈ છે.

મુકેશ અંબાણીએ પોતાના વક્તવ્ય દરમિયાન વૈશ્વિક અર્થતંત્રની સમીક્ષા કરી હતી અને કહ્યું હતું કે ઉંચા ફુગાવા અને સપ્લાય ખોરવાઈ જવાના કારણે ગ્લોબલ અનિશ્ચિતતા વધી છે. પરંતુ આ દરમિયાન ભારતે વૃદ્ધિ કરી છે અને સ્થિરતા ટકાવી રાખી છે. દેશના કેટલાક ભાગોમાં આજથી જ ૫જી સર્વિસ લોન્ચ થશે તેમ માનવામાં આવતું હતું પરંતુ મુકેશ અંબાણીએ આ લોન્ચ દિવાળીના તહેવારો સુધી લંબાવ્યું છે.

Translate »