ગૌમાતા માટે 500 કરોડની સહાયની વાત કરીને ફરી ગયેલી ભાજપ સરકાર બરાબરની ભીંસમાં આવી, બનાસકાંઠાના આંદોલનના પડઘા આખા ગુજરાતમાં પડ્યાં

હાલમાં ગુજરાતમાં પશુ પાલકોને મોટી તકલીફ પડતી હોવાનું સામે આવી રહ્યું છે, ક્યાંક માલધારી સમાજ વિરોધ કરી રહ્યો છે તો ક્યાંક ગાયો રાખનારાને પણ વેદના છે. એવામાં હવે ફરી એક વિવાદ શરૂ થયો છે અને જેના કારણે ચારેકોર હલ્લાબોલ મચી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા ગૌભક્તોએ આવેદનપત્ર આપી 48 કલાકમાં ગૌ પોષણ યોજનાનો લાભ નહીં મળે તો ગૌ શાળાઓની તમામ ગાયો તાલુકા મથકની કચેરીઓમાં છીડી દેવાની ચીમકી આપી હતી. અલ્ટિમેટમ પુર્ણ થવા છતાં પણ સરકારે કૉઈ જાહેરાત ન કરતાં આજે બનાસકાંઠામાં ગૌ શાળા સંચાલકોએ ગાયો છોડી મૂકવાનો સિલસિલો ચાલુ કર્યો છે. હતું એવું કે રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા પશુઓ માટે ઘાસચારાની સહાયની રકમ જાહેર કરી હતી પરંતુ તે રકમ આઠ દિન સુધી ચૂકવાયા નહીં.

પૈસા ના મળવાના કારણે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલક હોય અને રજૂઆતો તેમજ બંધનું એલાન આપ્યા બાદ પણ આ સરકાર કુંભકરણની નિંદ્રામાંથી ન જાગી. જેથી ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ આખરે પશુઓ સરકારી કચેરીમાં છોડવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાની જુદી જુદી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પશુઓ છોડવાની શરૂઆત કરતાં આ પશુઓને કચેરીઓમાં આવતા અટકાવવા માટે પોલીસે દોઢધામ કરી હતી.

આ સાથે એવી પણ માહિતી મળી રહી છે કે સહાય નહિ આપે ત્યાં સુધી લડત ચાલુ રાખવા ગૌ ભક્તોએ ચીમકી ઉચ્ચારી છે. તો વળી બીજી તરફ ગૌ શાળા સંચાલકોએ વિરોધના ભાગરૂપે ગાયો છોડતા પાંજરાપોળના સંચાલકોની પોલીસે અટકાયત પણ કરી લીધી છે. ડીસા DySP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ પણ શરૂ છે. તો બીજી તરફ બનાસકાંઠાની થરાદ મામલતદાર કચેરીમાં પશુઓ છોડી ગૌશાળા સંચાલકોએ વિરોધ દર્શાવ્યો છે. સરકારી કચેરીમાં પશુઓ છોડી સરકાર સુધી સહાયની વાત પહોંચાડવાનો પ્રયાસ થયો છે.

 

Translate »