કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ કે જે હંમેશા અનોખા અંદાજ અને સાદગી માટે વખણાય છે. ત્યારે હવે ફરીથી અનોખો અંદાજ હાલમાં જોવા મળ્યો હતો. ત્યારે ધારાસભ્યને ભજન ગાવાનો શોખ હોઈ તેઓ લોકો સાથે સત્સંગ કરતા જોવા મળ્યા હતા અને એમનો એક વીડિયો પણ હાલમાં ભારે ફરી રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય તેઓનાં સુરિલા અંદાજમાં ભજનની ધુણી ધખાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ધારાસભ્ય દ્વારા લોકોને ભજનનો મહિમા પણ સમજાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફતેસિંહ ચૌહાણ ખૂબ જ ગ્રાઉન્ડ લેવલના નેતા અને પોતાની ભજનિક છબીને કારણે ભારે લોકપ્રિયતા ધરાવે છે અને ફતેસિહ ધારાસભ્ય બન્યા બાદ સતત પોતાના વિસ્તારમાં તમામ ભજન સત્સંગના કાર્યક્રમમાં હાજરી આપે છે. દરરોજ રાત્રે ફતેસિંગ કોઈને કોઈ ભજન કે પાઠના કાર્યક્રમમાં જોવા મળે છે. આ સાથે જ તેમની સાદગી જ તેમની જીતનું કારણ છે એવું પણ લોકો કહે છે.
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ જ્યારે પરિણામ આવવાનું હતું ત્યારે પણ પંચમહાલના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ જમીન સાથે જોડાયેલા નેતા રહ્યા હતા. જેમની ટિકિટની જાહેરાત થઈ ત્યારે પણ ખેતરમાં કામ કરી રહ્યા હતા અને પરિણામના આગલા દિવસે પણ ખૂબ જ હળવાશ સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા અને ખુબ ચર્ચામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ વિશે વાત કરીએ તો બે વખત જૂની રાજગઢ વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા હોવા છતાં ખૂબ સાદું જીવન જીવે છે અને તેમની સાદગી મતદારોને પણ ઘણી પસંદ છે. સાદું જીવન ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર છે. પોતે ખેડૂત હોવા સાથે સાથે ભજનિક પણ છે અને ફાયરબ્રાન્ડ હિન્દુત્વવાદી નેતાની છબી ધરાવે છે. સવારે વહેલા ઉઠી નિત્ય ક્રમ મુજબ સૂર્યનારાયણની આરાધના સાથે દિનચર્યાની શરૂઆત અને બાદમાં પૂજા તેમનો નિત્ય ક્રમ છે.
ઉલ્લેખનીય છે કે કાલોલ વિધાનસભા બેઠક માટે સત્તાધારી ભાજપના ધારાસભ્ય સુમન ચૌહાણને પડતાં મૂકીને રાજગઢના પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જ્યારે જાહેર કર્યા ત્યારે પણ કોંગ્રેસે પંચમહાલ ભાજપના પૂર્વ સાંસદ અને કાલોલના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય પ્રભાતસિંહ ચૌહાણને કાલોલ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. પ્રભાતસિંહ ચૌહાણની પસંદગીથી ખુશીઓના મહોલમાં પ્રભાતસિંહ ચૌહાણનું ઢોલ નગારા અને દારૂખાનું ફોડીને સ્વાગત કરાયું હતું.