ગુજરાતના વિદ્યાર્થીઓ અને બેરોજગારો માટે હવે પરીક્ષા શબ્દ જ નકામો બની ગયો હોય એવું લાગે છે, કારણ કે રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે અને ચારેકોર હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ પણ પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. જ્યારે ફરી એકવાર પેપર લીક થવાની ઘટના સામે આવતો મહેનત કરતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી છે. પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવતા લાખો યુવાનો ચોધાર આંસુએ રડવા લાગ્યા છે.
જો કે એક સારી બાબાત એ પણ છે કે આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે લાંબા સમય બાદ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના 2,995 પરીક્ષા કેન્દ્રના 31,794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે જ માહિતી સામે આવી રહી છે કે 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, જ્યારે ફરી એક વાર પેપર લીક થવાની ઘટનાથી પરીક્ષા આપતા ઉમેદવારના હાથમાં હતાશા સિવાય બીજું કંઈ ન લાગ્યું હતું.
આ મામલે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે વાત કરવામાં આવે તો પેપર ફૂટવાના કેસમાં એક શંકાસ્પદ ઇસમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને તે યુવાનને ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.