ન્યૂયોર્ક શહેરના બ્રોન્ક્સમાં એક અપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાને કારણે નવ બાળકો સહિત ૧૯ લોકોના દર્દનાક મૃત્યુ થયા છે. કહેવામાં આવે છે કે એક બગડી ગયેલા ઈલેકટ્રિક સ્પેસ હીટરને કારણે આગ લાગી હતી. પાછલા ૩૦ વર્ષમાં ન્યૂયોર્કમાં આ સૌથી ભયાનક આગની ઘટના છે. ડઝનથી વધારે લોકો આ આગને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. ન્યૂયોર્કના ફાયર વિભાગ તરફથી પ્રાપ્ત જાણકારી અનુસાર, ઈમારતના બીજા અને ત્રીજા માળે આગ લાગી હતી. આ બન્ને માળ સળગીને રાખ થઈ ગયા છે.
મેયર એરિક એડમ્સ, ગવર્નર કૈથી હોચુલ અને અમેરિકન સીનેટર ચાર્લ્સ શૂમર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. મેયર એડમ્સના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન રિંગલે મૃત્યુ પામનારા લોકોની સંખ્યાની પૃષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે દુર્ઘટનામાં મૃત્યુ પામનારા બાળકોની ઉંમર ૧૬ વર્ષ અથવા તેના પણ ઓછી હતી. લગભગ ૧૩ લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ ગંભીર છે.
મેયર એડમ્સે આ ઘટનાને ભયાનક જણાવી છે. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં બનેલી આગની ઘટનાઓમાંથી આ સૌથી ભયાનક ઘટના છે. ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને દરેક માળ પર પીડિત મળ્યા. મોટા ભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અમુક લોકોને હૃદયરોગનો હુમલો થયો હતો. રવિવારની સવારે લગભગ ૧૧ વાગ્યે ઘટનાસ્થળ પર લગભગ ૨૦૦ કર્મચારીઓને બચાવ માટે મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આગ ૧૯ માળની એક ઈમારતના ત્રીજા માળ પર લાગી હતી, ત્યારપછી તે બીજા માળ પર પણ ફેલાઈ ગઈ અને ધીરે-ધીરે આખી ઈમારત ધૂમાડાથી ભરાઈ ગઈ. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ફિલાડેલ્ફિયામાં થોડા દિવસ પહેલા એક ઘરમાં આગ લાગવાને કારણે આઠ બાળકો સહિત બાર લોકોનાં મોત થઈ ગયા હતા.