મંગળવારની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, આજે પણ શહેરનું તાપમાન 41થી 42 ડિગ્રીની વચ્ચે જોવા મળી રહ્યું છે. હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદ માટે આગામી પાંચ દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી લોકોમાં વધારે ફફડાટ મચી ગયો છે. ઓફિસ અંદર પણ ભારે ગરમી થઈ રહી છે. ત્યારે અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આગામી 5 દિવસ સુધી તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના ના હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ સિવાય જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 5 દિવસ યલો એલર્ટ રહેવાની આગાહી કરવામાં આવી છે. લોક કન્વેક્ટિવિટીના કારણે અમુક ભાગમાં વરસાદ થવાની બહુ ઓછી સંભાવનાઓ હોવાનું જણાવવામાં આવ્યું છે. જમીન ગરમ થઈ રહી છે અને પશ્ચિમના પવનો ભેજ લઈને આવી રહ્યા છે, એટલે કે આગામી દિવસોમાં પણ ઉકળાટ રહેશે. હાલમાં પણ ઓફિસમા પંખા નીચે બેઠેલા લોકોમાં પણ ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. ડૉ. મોહંતીએ પણ વાત કરી કે, આગામી પાંચ દિવસના તાપમાનમાં કોઈ ફેરફારની સંભાવના નથી.
સાથે જ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે. હાલ રાજ્યમાં પશ્ચિમ પવનો આવી રહ્યા છે. જમીન ગરમ થવાથી અને અરબી સમુદ્ર પરથી આવતા પવનો ભેજ લઈને આવે છે જેના કારણે વાદળો બની રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ વાદળો વરસાદ લાવે તેટલા મજબૂત નથી, રાજ્યમાં વરસાદ થવાની સંભાવના બહુ જ ઓછી છે.