લતા મંગેશકરના નિધનના શોકમાંથી દેશ બહાર પણ નથી આવ્યો કે હવે મનોરંજન જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. તેમણે 74 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવીણ કુમાર સોબતી લાંબા સમયથી બીમારી અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા હતા. તેણે પોતાના મજબુત શરીરના આધારે ખેલાડી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.
પ્રવીણ કુમાર સોબતીએ ખેલાડી તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ બોલિવૂડ તરફ વળ્યા. તેણે ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી, પરંતુ બીઆર ચોપરાની ‘મહાભારત’એ તેમને સૌથી વધુ ઓળખ અપાવી હતી. જેમાં તેણે ભીમનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રે તેમને ઘરે-ઘરે પ્રખ્યાત કર્યા. પ્રવીણ કુમાર સોબતી તેમના મજબૂત શરીરને કારણે ભીમના રોલમાં ખૂબ જ પસંદ આવ્યા હતા.