હોલિવૂડ એક્ટર રિચર્ડ ગેરે શિલ્પા શેટ્ટીને સાર્વજનિક સ્થળે કિસ કરવાના કેસમાં અભિનેત્રીને કોર્ટમાંથી રાહત મળી છે. અભિનેત્રી પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ હતો. હવે 15 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં શિલ્પાને નિર્દોષ જાહેર કરી છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કેતકી ચવ્હાણની કોર્ટે 18 જાન્યુઆરીએ શિલ્પા શેટ્ટીને આ કેસમાં નિર્દોષ છોડી મૂકી હતી. સોમવારે વિગતવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. આ મુજબ શિલ્પાએ ઘટના બાદ તરત જ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. આ મામલાને ધ્યાનમાં લીધા પછી એવું બહાર આવ્યું કે શિલ્પા પરના આરોપો પાયાવિહોણા છે અને તેથી તેણીને ગુનામાંથી મુક્ત કરવી જોઈએ.
રિચર્ડ ગેરે 2007માં એઈડ્સ જાગૃતિ કાર્યક્રમ દરમિયાન શિલ્પા શેટ્ટીને સ્ટેજ પરથી એકવાર નહીં પણ વારંવાર ચુંબન કર્યું હતું. આ મોટા પાયાના કાર્યક્રમમાં આવી ઘટનાએ વિવાદને જન્મ આપ્યો હતો. એપ્રિલ 2007ના રોજ, રાજસ્થાનની અદાલતે શેટ્ટી અને ગેરની ધરપકડ માટે વોરંટ જારી કર્યું હતું, પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલને ફગાવી દીધી હતી. 2009માં શિલ્પા શેટ્ટી ઓરિસ્સાના સાક્ષીગોપાલ મંદિરે પહોંચી હતી. અહીં એક પૂજારીએ તેને ગાલ પર ચુંબન કર્યું હતું. આ ઘટનાએ તે સમયે પણ ખૂબ ધ્યાન ખેંચ્યું હતું.