રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો હોય તેમ અનેક જગ્યા એ વાદળછાયું વાતાવરણનો માહોલ બન્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુરૂવારથી તાપમાનના પારામાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આ સાથે અનેક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યમાં હિટવેવની કોઇ આગાહી નથી. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે જણાવવામાં આવ્યું છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુરૂવારે ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
વાવાઝોડાની ચેતવણી અંગે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત વીજળી સાથે સામાન્ય વાવાઝોડા અને 40 કિમી પ્રતિ કલાકથી ઓછા સપાટીના પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આવતી કાલથી ચાર દિવસ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની સંભાવના છે. તેમજ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચન આપવામાં આવી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 40 કિમીની આસપાસ પવન ફૂંકાવાવની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર રાજ્યમાં ચોમાસા જેવો કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. ભારે વરસાદની સંભાવના તેમના દ્વારા ચાલુ મહિનાના અંતમાં થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 25, 26, 27, 28 અને 29 તારીખે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
બુધવારે સમી સાંજે પાટણ જિલ્લાના પાંચ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. રાધનપુર, સાંતલપુર, હારીજ, સમી બાદ પાટણમાં ભારે પવન તેમજ કરા સાથે માવઠું ખાબક્યું હતું. આ ઉપરાંત રૂની, કમલીવાડા, કુણઘેર સહિતના ગ્રામ્ય પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આ પણ વાંચો
બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભરઉનાળે જિલ્લાના ભીલડી તાલુકામાં પણ વરસાદ ખાબક્યો હતો. કડાકાભડાકા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જો કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.