Nuclear plant restart: ૨૦૧૧ની ફુકુશિમા હોનારત બાદ પરમાણુ ઉર્જા પ્રત્યે અત્યંત સાવધ રહેલું જાપાન હવે ફરી એકવાર આત્મનિર્ભરતા તરફ ડગ માંડી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા ‘કાશીવાજાકી-કારીવા’ ન્યુક્લિયર પાવર પ્લાન્ટને ફરી ધમધમતો કરવા માટે જાપાન સરકારે મંજૂરી આપી દીધી છે. આમ કડક સુરક્ષા તપાસ અને આધુનિક સેફ્ટી પ્રોટોકોલના અમલીકરણ બાદ, દેશના કુલ ૩૩ કાર્યરત રિએક્ટર્સને તબક્કાવાર શરૂ કરવાની આ યોજના જાપાનની ઉર્જા સુરક્ષા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
જાપાનમાં પરમાણુ ઉર્જાનો પુનરોદય
૧૧ માર્ચ ૨૦૧૧ના રોજ આવેલી વિનાશક સુનામી અને ભૂકંપ બાદ ફુકુશિમા પ્લાન્ટમાં સર્જાયેલી ગંભીર હોનારતે સમગ્ર જાપાનને હચમચાવી દીધું હતું, જેના કારણે દેશે તેના તમામ ૫૪ પરમાણુ રિએક્ટર્સ બંધ કરી દીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના ૨૦ કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવવો પડ્યો હતો અને દોઢ લાખ જેટલા લોકોએ ઘરબાર છોડવા પડ્યા હતા. જોકે, આયાતી ઈંધણ પર નિર્ભરતા અને મોંઘી વીજળીના બોજને ઘટાડવા માટે જાપાન હવે ફરી પરમાણુ ઉર્જા તરફ વળી રહ્યું છે. કડક સુરક્ષા તપાસ બાદ ૩૩ રિએક્ટર્સને ફરી શરૂ કરવા યોગ્ય માનવામાં આવ્યા છે, જેમાંથી ૧૪ રિએક્ટર્સ અત્યાર સુધીમાં ફરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
જાપાન કેમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ શરૂ કરવા માંગે છે?
આ યોજનાના કેન્દ્રમાં જાપાનની રાજધાની ટોક્યોથી ૨૨૦ કિમી દૂર આવેલો વિશ્વનો સૌથી મોટો ‘કાશીવાજાકી-કારીવા’ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. ૪,૬૯૬ મેગાવોટની પ્રચંડ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટને ફરી શરૂ કરવાનો નિર્ણય જાપાન સરકાર માટે પડકારજનક છે, કારણ કે તેનું સંચાલન એ જ કંપની (TEPCO) દ્વારા કરવામાં આવે છે, જે ફુકુશિમા હોનારત વખતે જવાબદાર હતી. જોકે, ફુકુશિમામાં હજુ પણ લાખો ટન કિરણોત્સર્ગી કચરો હાજર હોવા છતાં, સરકારનું માનવું છે કે અત્યંત કડક સુરક્ષા પ્રોટોકોલ સાથે પરમાણુ ઉર્જા દેશની ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટે અનિવાર્ય છે.
ફુકુશિમા હોનારત બાદ જાપાનને પોતાની વીજળીની જરૂરિયાતો માટે તેલ, ગેસ અને કોલસા જેવા ઈંધણો પર વધુ નિર્ભર રહેવું પડ્યું હતું. જેના કારણે વીજળી મોંઘી થઈ અને આયાતનો બોજ પણ વધ્યો. આ જ કારણોસર જાપાને ધીમે-ધીમે પરમાણુ પ્લાન્ટ્સને ફરીથી શરૂ કરવાની દિશામાં ડગ માંડ્યા. તપાસ બાદ ૩૩ રિએક્ટર્સને ટેકનિકલ રીતે ફરીથી ચાલુ કરવા યોગ્ય માનવામાં આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં ૧૪ રિએક્ટર્સ ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે.
કાશીવાજાકી-કારીવા પાવર પ્લાન્ટ જ શા માટે?
કાશીવાજાકી-કારીવા પાવર પ્લાન્ટ એટલા માટે ખાસ છે કારણ કે તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 4,696 મેગાવોટ છે. આ પ્રચંડ ક્ષમતાને કારણે જ તેને વિશ્વનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માનવામાં આવે છે. આ પ્લાન્ટનું સંચાલન ‘ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની’ દ્વારા કરવામાં આવે છે, જે ફુકુશિમા પ્લાન્ટ માટે પણ જવાબદાર હતી. આ જ કારણ છે કે તેને ફરી શરૂ કરવાને લઈને લોકોના મનમાં હજુ પણ ડર અને ચિંતા જોવા મળી રહી છે.
ફુકુશિમા દુર્ઘટના બાદ તે પ્લાન્ટમાં લાખો ટન રેડિયોધર્મી પાણી, પરમાણુ કચરો અને ઈંધણના સળિયા હજુ પણ મોજૂદ છે, જેને દૂર કરવામાં ઘણા વર્ષો લાગી શકે તેમ છે. આવી સ્થિતિમાં કાશીવાજાકી-કારીવા પ્લાન્ટને ફરીથી શરૂ કરવાનો નિર્ણય સહેલો નથી. જોકે, જાપાન સરકારનું માનવું છે કે કડક સુરક્ષા વ્યવસ્થાઓ સાથે પરમાણુ ઉર્જા દેશની ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.