Stock Market: અમેરિકાના એક પ્રસ્તાવિત બિલે ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 500% ટેરિફ લાગવાની આશંકાએ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલી ગયો. આમ માત્ર 4 દિવસમાં સેન્સેક્સ 1600 પોઈન્ટ ગબડતા રોકાણકારો ડરી રહ્યા છે.
બ્લેક થર્સ ડે સાબિત થયો
ભારતીય શેરબજાર માટે આજનો ગુરુવાર ‘બ્લેક થર્સડે’ સાબિત થયો છે. અમેરિકામાં રજૂ થયેલા ‘સેન્ક્શન રશિયા એક્ટ-2025’ ની અસર દલાલ સ્ટ્રીટ પર સ્પષ્ટ દેખાઈ, જેના કારણે સેન્સેક્સ 780 પોઈન્ટ અને નિફ્ટી 264 પોઈન્ટ તૂટીને બંધ થયા. આ ઘટાડાને કારણે રોકાણકારોએ એક જ દિવસમાં 8.1 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જો છેલ્લા 4 દિવસની વાત કરીએ તો, સેન્સેક્સ 85,762 થી ઘટીને 84,180 પર આવી ગયો છે, એટલે કે અંદાજે 1600 પોઈન્ટનો મોટો કડાકો જોવા મળ્યો છે.

અમેરિકામાં રજૂ થયેલા નવા બીલનું છે કારણ
આ ભારે વેચવાલી પાછળનું મુખ્ય કારણ અમેરિકામાં રજૂ થયેલું એ નવું બિલ છે, જે હેઠળ રશિયન ઓઈલ ખરીદનારા ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર 500% સુધીનો ટેરિફ લાદવાની દરખાસ્ત છે. ડોનાલ્ડ ટ્રમ્પની આ આર્થિક ચાલની બીકે આઈટી અને હેવી વેઈટ શેરોમાં ગાબડાં પડ્યા. L&T, ટેક મહિન્દ્રા અને TCS જેવા દિગ્ગજ શેરો 3% સુધી ગબડ્યા છે, જ્યારે બજારના કુલ 189 શેરો પોતાના 52 અઠવાડિયાના લો સ્તર પર પહોંચી ગયા છે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને આ આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે બજારમાં અત્યારે ભયનો માહોલ છે.
એટલે કે કહીએ તો, ભારતીય બજાર અત્યારે સંપૂર્ણપણે વૈશ્વિક સંકેતો અને અમેરિકાની નવી સરકારની નીતિઓ પર નિર્ભર છે. 500% ટેરિફની માત્ર વાતે જ જો રોકાણકારોના 8 લાખ કરોડ ડૂબાડી દીધા હોય, તો આગામી સમયમાં જ્યારે આ બિલ પર વધુ સ્પષ્ટતા આવશે ત્યારે બજારમાં હજુ પણ મોટી વધ-ઘટ જોવા મળી શકે છે. અત્યારે નિષ્ણાતોનું માનવું છે જે રોકાણકારોએ સાવચેતી રાખવી અને ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો હિતાવહ છે.