Indian women Team: નવા વર્ષ પહેલા BCCIએ મહિલા ક્રિકેટરોને આપી મોટી ભેટ! હવે પુરુષ અને મહિલા ખેલાડીઓ વચ્ચેનો પગાર ભેદ ખતમ થશે, કારણ કે બોર્ડે મહિલા ખેલાડીઓની મેચ ફીમાં બમ્પર વધારો કરી સમાન વેતનનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વધુમાં બોર્ડ દ્વારા ડોમેસ્ટિક ક્રિકેટરોના પગારમાં ધરખમ વધારો કરવામાં આવતા ખેલાડીઓ અને મેચ ઓફિશિયલ્સને ઘણો મોટો ફાયદો થશે.
BCCIએ ભારતના ઘરેલું મહિલા ક્રિકેટરોને નવા વર્ષ પહેલા એક ખાસ ભેટ આપી છે. તાજેતરમાં મળેલી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં BCCIએ ઘરેલું મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે ખેલાડીઓના પગારમાં બમણો વધારો થયો છે. મહિલા ક્રિકેટના હિતમાં આ એક ખૂબ જ પ્રશંસનીય પગલું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને વન-ડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, ત્યારથી જ મહિલા ખેલાડીઓનું મહત્વ સતત વધી રહ્યું છે.
ઘરેલું મહિલા ક્રિકેટરોને પહેલા મળતા હતા ઓછા પૈસા
અત્યાર સુધી ઘરેલું ટુર્નામેન્ટમાં મહિલા ક્રિકેટરોને ખૂબ ઓછી મેચ ફી મળતી હતી. સિનિયર મહિલા ટુર્નામેન્ટમાં પ્લેઈંગ ઈલેવનના ખેલાડીઓને દરરોજના 20,000 રૂપિયા અને રિઝર્વ ખેલાડીઓને 10,000 રૂપિયા મળતા હતા. જુનિયર ટીમની વાત કરીએ તો, પ્લેઈંગ ઈલેવનના ખેલાડીઓને દરરોજના 10,000 અને રિઝર્વ ખેલાડીઓને 5,000 રૂપિયા મળતા હતા. T20 ટુર્નામેન્ટમાં આ રકમ તેનાથી પણ ઓછી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને જ BCCIએ હવે આ મહત્વનું પગલું ભર્યું છે.
નવા પગાર માળખાથી ખેલાડીઓને થશે મોટો ફાયદો
નવા સેલરી સ્ટ્રક્ચર મુજબ, હવે સિનિયર મહિલા ટુર્નામેન્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ખેલાડીઓને દરરોજના 50,000 રૂપિયા અને રિઝર્વ ખેલાડીઓને 25,000 રૂપિયા મળશે. તેવી જ રીતે T20 મેચો માટે પણ ફીમાં વધારો કરાયો છે, જેમાં પ્લેઈંગ ઈલેવનના ખેલાડીને 25,000 અને રિઝર્વ ખેલાડીઓને 12,500 રૂપિયા મળશે. આ ઉપરાંત, જુનિયર ટુર્નામેન્ટમાં પ્લેઈંગ ઈલેવનના ખેલાડીઓને દરરોજના 25,000 અને રિઝર્વ પ્લેયર્સને 12,500 રૂપિયા આપવામાં આવશે. આમ, ઘરેલું ક્રિકેટ રમતી મહિલા ખેલાડીઓના પગારમાં બમણાથી પણ વધુનો જંગી વધારો થયો છે.
અમ્પાયર અને મેચ રેફરીને પણ મળશે આર્થિક લાભ
ખેલાડીઓની સાથે ઘરેલું ક્રિકેટના અમ્પાયર અને મેચ રેફરી સહિતના તમામ મેચ ઓફિશિયલ્સને પણ આ નવા ફી માળખાથી મોટો ફાયદો થશે. ઘરેલું ટુર્નામેન્ટની લીગ મેચો માટે અમ્પાયર અને મેચ રેફરીને હવે દરરોજના 40,000 રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યારે નોકઆઉટ મેચો માટે મેચ ફી કામગીરીની જરૂરિયાતોને આધારે નક્કી કરવામાં આવશે, જેમાં અંદાજે દરરોજના 50,000 થી 60,000 રૂપિયા સુધીની રકમ મેચ અધિકારીઓને મળી શકે છે.