Viral News: T20 વર્લ્ડ કપ 2026 પહેલા સોશિયલ મીડિયા પર દિનેશ કાર્તિકના એક સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે.જો કે પાછળથી આ વાયરલ રિએક્શનને લઈને અફઘાનિસ્તાન ટીમ સાથે જોડાવાના આ દાવા પાછળનું સત્ય કાર્તિકે પોતે જ સ્પષ્ટ કરી દીધું છે.
ફેબ્રુઆરી 7 થી ભારત અને શ્રીલંકામાં T20 વિશ્વ કપ 2026 નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિનેશ કાર્તિકને આગામી વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ટીમના મેન્ટર બનાવવામાં આવ્યા છે. આ સમાચાર જોતા જ ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી.
— DK (@DineshKarthik) February 2, 2026
જોકે, આ સમાચાર દિનેશ કાર્તિક સુધી પહોંચતા જ સત્ય સામે આવી ગયું છે. કાર્તિકે આ વાયરલ પોસ્ટ પર બે ઈમોજી સાથે પ્રતિક્રિયા આપી છે. તેના આ રિએક્શન પરથી સ્પષ્ટ થાય છે કે તેને પોતાની આ નવી ભૂમિકા વિશે કોઈ જાણકારી જ નથી. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે દિનેશ કાર્તિક અફઘાનિસ્તાન ટીમ સાથે જોડાવાના સમાચારમાં કોઈ તથ્ય નથી.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓને મેન્ટર તરીકે પોતાની ટીમ સાથે જોડી ચૂક્યું છે. ભૂતકાળમાં અજય જાડેજા જેવા દિગ્ગજોએ આ ટીમ સાથે કામ કર્યું છે. કદાચ આ જ કારણથી લોકો દિનેશ કાર્તિકના મેન્ટર બનવાના અહેવાલો પર સહેલાઈથી વિશ્વાસ કરી રહ્યા હતા. પરંતુ કાર્તિકે આ તમામ અટકળો પર હાલ વિરામ મૂકી દીધો છે.
આગામી વિશ્વ કપમાં અફઘાનિસ્તાનની ટીમ ગ્રુપ D માં સ્થાન પામી છે. આ ગ્રુપમાં તેમની સાથે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમો છે. આ ઉપરાંત કેનેડા અને UAE ની ટીમો પણ આ ગ્રુપનો હિસ્સો છે. અફઘાનિસ્તાન માટે આ વર્લ્ડ કપનો માર્ગ ઘણો પડકારજનક માનવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલ સુધીની સફર ખેડી હતી. આ વખતે પણ ભારતની સ્પિન-ફ્રેન્ડલી પીચો પર અફઘાનિસ્તાનના બોલરો અન્ય ટીમોની કસોટી કરી શકે છે. ટીમે પોતાના સ્ક્વોડની જાહેરાત કરી દીધી છે અને તેઓ મેદાનમાં ઉતરવા માટે પૂરી રીતે સજ્જ છે.