T20 World Cup 2026 Match 5: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી T 20 વર્લ્ડ કપની પાંચમી મેચમાં ઈંગ્લેન્ડે નેપાળને માત્ર 4 રને હરાવ્યું છે. નેપાળે અંતિમ ઓવર સુધી લડત આપીને ઈંગ્લેન્ડના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. આ મેચમાં ઈંગ્લેન્ડનો અનુભવ નેપાળના જુસ્સા પર ભારે પડ્યો હતો.
છેલ્લી ઓવરનો હાઈ-વોલ્ટેજ ડ્રામા
નેપાળને જીતવા માટે છેલ્લી 6 ગેમમાં 10 રનની જરૂર હતી. છેલ્લી ઓવરના પ્રથમ બોલ પર કોઈ રન ન આવ્યો અને ત્યારબાદ સિંગલ્સ રન મળ્યા હતા. અંતિમ બે બોલ પર 6 રનની જરૂર હતી ત્યારે લોકેશ રન બનાવી શક્યો નહીં અને છેલ્લા બોલે માત્ર એક રન મળ્યો હતો. આમ, નેપાળ જીતની ખૂબ નજીક હોવા છતાં માત્ર 4 રનથી હારી ગયું હતું.

નેપાળની લડાયક બેટિંગ
185 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત પૌડેલ અને દીપેન્દ્ર સિંહ વચ્ચેની ભાગીદારીએ 12મી ઓવરમાં જ સ્કોર 100 રનને પાર પહોંચાડી દીધો હતો. અંતિમ ઓવરોમાં લોકેશે જોફ્રા આર્ચરને બે સિક્સર ફટકારીને મેચમાં રોમાંચ જગાવ્યો હતો. આખી મેચ દરમિયાન નેપાળી બેટસમેનોએ ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલરો સામે ડર્યા વગર બેટિંગ કરી હતી.

ઈંગ્લેન્ડનો સ્કોર અને બેટિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. ફિલ સોલ્ટ અને જોસ બટલર વહેલા આઉટ થઈ ગયા હતા. જોકે, જેકબ બેથલ અને હેરી બ્રુકે શાનદાર ફિફ્ટી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવ્યા હતા. નેપાળ તરફથી દીપેન્દ્ર સિંહ અને નંદન યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.