પેરિસમાં આયોજિત આ વર્ષની ઓલિમ્પિક ભારત માટે 26મી ઓલિમ્પિક છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 117 એથ્લેટ મોકલ્યા હતા. તેમાં પાંચ રિઝર્વ એથ્લેટ હતા. જોકે, ભારતે અત્યાર સુધી માત્ર પાંચ મેડલ જીત્યા છે. ચાલો જાણીએ કે ઓલિમ્પિક મેડલ વિજેતાઓમાં સામેલ ખેલાડીઓમાં કોને કેટલું ઇનામ મળ્યું છે.
શૂટર ગર્લ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતના મેડલની શરૂઆત કરી હતી. આ પછી તેણે શૂટિંગના અન્ય ફોર્મેટમાં વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો. આ રીતે મનુએ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મનુની આ સિદ્ધિ પછી, ભારત સરકારના રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તેને 30 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા.
માત્ર 22 વર્ષની ઉંમરે અંબાલાના સરબજોત સિંહે 10 મીટર મિશ્ર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકર સાથે બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મિક્સ્ડ એર પિસ્તોલમાં ભારતનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. રમતગમત મંત્રી માંડવિયા દ્વારા સરબજોત સિંહને 22.5 લાખ રૂપિયાના ચેકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પુણેના રહેવાસી સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કુસલે માટે 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઐતિહાસિક જીત બાદ, હોકી ઈન્ડિયાએ ટીમના દરેક સભ્ય માટે 15 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્ય માટે 7.5 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પંજાબ અને ઓડિશાના મુખ્યમંત્રીઓએ પણ રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી.
ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માંઝીએ ઓડિશાના વતની એવા ડિફેન્ડર અમિત રોહિદાસને 4 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. સાથે જ ટીમના દરેક ખેલાડી માટે 15 લાખ રૂપિયા અને દરેક સપોર્ટ સ્ટાફ મેમ્બરને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે.
તે જ સમયે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હોકી ટીમમાં સામેલ પંજાબના દરેક ખેલાડીને 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. કેપ્ટન હરમનપ્રીત સિંહ પંજાબ રાજ્યનો છે.