T 20 Series: રાયપુરમાં રમાયેલી બીજી T20માં ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવી શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની વિસ્ફોટક બેટિંગ સામે કીવી બોલરો લાચાર દેખાયા હતા.
શરૂઆતી આંચકા બાદ પલટાયો ખેલ
209 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખરાબ રહી હતી. સંજુ સેમસન (6) અને અભિષેક શર્મા (0) વહેલા આઉટ થતા ટીમે માત્ર 6 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ત્યારબાદ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે મેદાન સંભાળ્યું હતું. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે માત્ર 122 રનની તોફાની ભાગીદારી થઈ હતી, જેમણે ન્યૂઝીલેન્ડના વિજયના સપના પર પાણી ફેરવી દીધું હતું.
સૂર્યા અને ઈશાનની તોફાની ફિફ્ટી
ઈશાન કિશને માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારી હતી અને કુલ 32 બોલમાં 76 રન (11 ચોગ્ગા, 4 છગ્ગા) બનાવ્યા હતા. બીજી તરફ કેપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બોલમાં અણનમ 82 રનની ઈનિંગ રમી હતી. અંતમાં શિવમ દુબેએ પણ 18 બોલમાં 36 રન ફટકારીને ભારતને માત્ર 15.2 ઓવરમાં જ જીત અપાવી દીધી હતી.

ન્યૂઝીલેન્ડનો સ્કોર અને ભારતીય બોલિંગ
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 6 વિકેટે 208 રન બનાવ્યા હતા. કીવી ટીમ તરફથી રચીન રવીન્દ્રએ 44 અને કેપ્ટન મિશેલ સેન્ટનરે અણનમ 47 રન જોડ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીને 1-1 સફળતા મળી હતી. શ્રેણીનો ત્રીજો મુકાબલો હવે 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં થશે.