New Zealand Win: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં પ્રવાસી ટીમનો દબદબો રહ્યો છે. 216 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 165 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે કીવી ટીમે શ્રેણીમાં જોરદાર વાપસી કરી છે.
ન્યુઝીલેન્ડનો પહાડ જેવો સ્કોર
વાઈઝેગની સપાટ પિચ પર ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ ભારતીય બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. કીવી ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. ઓપનર ટીમ સીફર્ટે 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ડેવોન કોનવેએ 44 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં ડેરીલ મિશેલે માત્ર 18 બોલમાં 39 રન ફટકારી સ્કોરને 200ને પાર પહોંચાડ્યો હતો.
ભારતીય ટોપ ઓર્ડર પત્તાની જેમ વિખરાયો
216 રનના ટાર્ગેટ સામે ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેનો એકપછી એક પેવેલિયન ભેગા થતા રહ્યા હતા. આખી ટીમ માત્ર 165 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે તરખાટ મચાવતા 3 વિકેટ ઝડપી હતી, જ્યારે જેકબ ડફીને 2 સફળતા મળી હતી.

શિવમ દુબે અને રિંકુની લડત એળે ગઈ
જ્યારે ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે શિવમ દુબેએ આક્રમક બેટિંગ કરી આશા જગાવી હતી. દુબેએ માત્ર 23 બોલમાં 65 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં ગગનચુંબી છગ્ગાઓનો સમાવેશ થાય છે. બીજી તરફ રિંકુ સિંહે પણ 39 રન બનાવી સાથ આપ્યો હતો. જોકે, અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહીં અને ભારત 50 રનથી મેચ હારી ગયું.
શ્રેણીમાં નવો વળાંક
આ શરમજનક હાર બાદ ભારતીય બેટ્સમેનોની ફોર્મ પર સવાલો ઉઠી રહ્યા છે. વાઈઝેગમાં બોલરો બાદ બેટ્સમેનોએ પણ નાક કપાવ્યું છે. હવે શ્રેણીની આગામી મેચ નિર્ણાયક બની રહેશે. હાર્દિક પંડ્યાની સેનાએ હવે પોતાની બેટિંગ લાઈન-અપમાં સુધારો કરી મેદાનમાં ઉતરવું પડશે.