Warm Up Match: T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયા તેની તૈયારીઓને આખરી ઓપ આપવા તૈયાર છે. આજે એટલે કે 4 ફેબ્રુઆરીએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાઈવોલ્ટેજ વોર્મ-અપ મેચ રમાશે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે શરૂ થશે.

વર્લ્ડ કપની અંતિમ તૈયારી
ટીમ ઈન્ડિયા તેનો પહેલો સત્તાવાર વર્લ્ડ કપ મેચ 7 ફેબ્રુઆરીએ અમેરિકા સામે રમશે. તે પહેલા સાઉથ આફ્રિકા સામેનો આ મેચ ખેલાડીઓ માટે પ્રેક્ટિસ કરવાની સુવર્ણ તક છે. ભારત હાલમાં મુંબઈમાં કેમ્પ લગાવીને સખત મહેનત કરી રહ્યું છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. વર્લ્ડ કપની તમામ મેચો સાંજે 7 વાગ્યે હોવાથી આ મેચનો સમય પણ સાંજે 7 વાગ્યાનો રખાયો છે.
ઓપનિંગ જોડી પર રહેશે નજર
આ મેચમાં સૌથી વધુ ચર્ચા ભારતની ઓપનિંગ જોડીને લઈને છે. શું અભિષેક શર્મા સાથે સંજુ સેમસન આવશે કે પછી ઈશાન કિશનને જવાબદારી સોંપાશે? ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં સંજુ સેમસન સતત ફ્લોપ રહ્યો હતો. જ્યારે ઈશાન કિશને ત્રીજા નંબરે આવીને શાનદાર સદી ફટકારી હતી. આ વોર્મ-અપ મેચ બાદ જ પ્લેઈંગ ઈલેવનની તસવીર સ્પષ્ટ થશે.
ટીમ ઈન્ડિયાનો શાનદાર ફોર્મ
ભારતીય ટીમ હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. તાજેતરમાં જ ભારતે ન્યૂઝીલેન્ડને T20 શ્રેણીમાં 4-1થી હરાવ્યું છે. જોકે દક્ષિણ આફ્રિકાની ટીમ પણ ઘણી મજબૂત છે. ભલે આ પ્રેક્ટિસ મેચ હોય, પણ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. ચાહકો પણ સૂર્યકુમાર યાદવ અને તેની ટીમનું પ્રદર્શન જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.