T20 World Cup 2026: ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકાની યજમાનીમાં ટી-20 વર્લ્ડ કપનો રોમાંચ શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે ટીમ ઈન્ડિયા ઉપરાંત વિદેશી ટીમોમાં પણ ભારતીય મૂળના ખેલાડીઓનો દબદબો જોવા મળશે. ચાલો જાણીએ એવા 5 પ્લેયર્સ વિશે જે પોતાની રમતથી દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરી શકે છે.
ટોપ-5 ભારતીય મૂળના સ્ટાર્સ
જસપ્રીત સિંહ (ઈટાલી)
પંજાબના ફગવાડાથી ઈટાલી પહોંચેલા જસપ્રીત સિંહની કહાની અત્યંત પ્રેરણાદાયી છે. એક સમયે પરિવારના ભરણપોષણ માટે ઈટાલીમાં ઉબેર ડ્રાઈવર તરીકે કામ કરનાર આ ખેલાડી હવે બોલિંગમાં પોતાની ગતિથી બેટર્સને હંફાવશે. તેની સચોટ લાઈન-લેન્થ વિરોધી ટીમો માટે ખતરો બની શકે છે.

સૌરભ નેત્રવલકર (USA)
મુંબઈના મેદાનોમાં ક્રિકેટ શીખેલા અને પ્રોફેશનલ સોફ્ટવેર એન્જિનિયર એવા સૌરભ નેત્રવલકર અમેરિકાના સ્ટાર બોલર છે. અંડર-19માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો સૌરભ હવે પોતાની જૂની ટીમના સાથીઓ અને મિત્ર સૂર્યકુમાર યાદવ સામે જ મેદાનમાં ઉતરશે.

મોનાંક પટેલ (USA)
ગુજરાતના આણંદમાં જન્મેલો આ ખેલાડી હવે અમેરિકાની ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. એક શાનદાર વિકેટકીપર-બેટર તરીકે મોનાંકની રમત જોવા જેવી હશે. ગયા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે તેની શાનદાર ફિફ્ટીએ અમેરિકાને ઐતિહાસિક જીત અપાવી હતી.

દિલપ્રીત બાજવા (કેનેડા)
પંજાબમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂકેલા દિલપ્રીત બાજવા હવે કેનેડાના કેપ્ટન તરીકે ભારત પરત ફરી રહ્યા છે. મિડલ ઓર્ડરમાં આક્રમક બેટિંગ અને શાનદાર સ્ટ્રાઈક રેટ તેની ઓળખ છે. કેનેડા ગ્લોબલ T-20 લીગના તેના પ્રદર્શને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે.
આર્યન દત્ત (નેધરલેન્ડ)
નેધરલેન્ડનો આ યુવા ઓફ-સ્પિનર પોતાની ‘કેરમ બોલ’ અને પાવરપ્લેમાં કરકસરભરી બોલિંગ માટે જાણીતો છે. પંજાબી મૂળનો આર્યન ભારતની પિચો અને કન્ડિશનથી પરિચિત છે, જે નેધરલેન્ડ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.

આમ,આ વર્લ્ડ કપમાં કેનેડાની ટીમમાં સૌથી વધુ 11 ભારતીય ખેલાડીઓ છે, જ્યારે યુએસએમાં 9 અને ઓમાન-યુએઈમાં 7-7 ખેલાડીઓ છે. આ ખેલાડીઓ માટે આ માત્ર એક ટૂર્નામેન્ટ નથી, પણ પોતાની માતૃભૂમિ સામે પોતાની ક્ષમતા સાબિત કરવાની સુવર્ણ તક છે. ભારત અને શ્રીલંકામાં રમાનારો આ વર્લ્ડ કપ આ ‘ગ્લોબલ ઇન્ડિયન્સ’ના કારણે વધુ રોમાંચક બનશે એ નક્કી છે.