Indian Women Team: ટીમ ઈન્ડિયાનો વિજયધ્વજ! વર્લ્ડ કપના શંખનાદ પહેલા હરમનપ્રીત કૌરની સેનાએ શ્રીલંકાનું સુપડું સાફ કરી દીધું છે. પાંચમી અને અંતિમ T 20 મેચમાં લંકાને 15 રને પછાડીને ભારતે સિરીઝમાં 5-0થી ઐતિહાસિક ક્લીન સ્વીપ મેળવ્યું છે. આ દમદાર જીતે સાબિત કરી દીધું છે કે આગામી વર્લ્ડ કપ માટે ભારતીય સિંહણો પૂરી રીતે તૈયાર છે અને દુનિયાના કોઈપણ દેશને હરાવવાની તાકાત ધરાવે છે..
શ્રીલંકાને 5-0થી હરાવી હરમન બ્રિગેડે રચ્યો ઈતિહાસ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી T 20 મેચમાં શ્રીલંકાને 15 રને પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે પાંચ મેચોની સિરીઝમાં 5-0થી ક્લીન સ્વીપ કરીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર ફિફ્ટી ફટકારી હતી, જેના જોરે ભારતે શ્રીલંકા સામે 176 રનનો મજબૂત લક્ષ્યાંક રાખ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરોમાં 160 રન જ બનાવી શકી હતી. વર્ષ 2026માં રમાનારા T 20 વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે ભારતની આ જીત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાની બેટિંગ લથડાઈ
176 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત નબળી રહી હતી. બીજી જ ઓવરમાં કેપ્ટન ચમારી અટાપટ્ટુ માત્ર 2 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ હસીની પરેરા અને દુલ્હાની વચ્ચે શાનદાર ભાગીદારી થઈ હતી. બંનેએ ટીમના સ્કોરને 86 રન સુધી પહોંચાડ્યો હતો. ભારતને બીજી સફળતા 12મી ઓવરમાં મળી જ્યારે દુલ્હાની આઉટ થઈ. એક તરફ હસીની પરેરા ટકી રહી હતી અને તેણે 65 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ 17મી ઓવરમાં તેની વિકેટ પડતા જ શ્રીલંકાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
જ્યારે પરેરા આઉટ થઈ ત્યારે શ્રીલંકાને જીતવા માટે 20 બોલમાં 44 રનની જરૂર હતી. છેલ્લી 2 ઓવરમાં સમીકરણ 34 રનનું હતું, પરંતુ ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરી શ્રીલંકાને 160 રન પર રોકી દીધું હતું. આ જીત સાથે ભારતે સિરીઝમાં 5-0થી ઐતિહાસિક ક્લીન સ્વીપ કરીને વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી મજબૂત કરી છે.
કેપ્ટન હરમનપ્રીતની શાનદાર ફિફ્ટી
આ મેચમાં સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના રમી રહી નહોતી, જેના કારણે જી. કમલિનીને ડેબ્યૂ કરવાની તક મળી હતી. જોકે, ભારતની શરૂઆત આઘાતજનક રહી હતી. શેફાલી વર્મા બીજી જ ઓવરમાં માત્ર 5 રન બનાવી પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ડેબ્યૂ ગર્લ કમલિનીએ ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો પણ તે 12 રન બનાવી આઉટ થઈ ગઈ. એક સમયે ભારતે સતત વિકેટો ગુમાવી દીધી હતી અને ટીમ દબાણમાં હતી.
આ મુશ્કેલ સમયે કેપ્ટન હરમનપ્રીત કૌરે મોરચો સંભાળ્યો હતો. તેણે શરૂઆતમાં ધૈર્ય રાખ્યું અને બાદમાં વિસ્ફોટક બેટિંગ કરીને મેદાનના ચારેય બાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. હરમનપ્રીતે માત્ર 43 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં અરુંધતી રેડ્ડીએ પણ આક્રમક અંદાજમાં 11 બોલમાં 27 રન ફટકાર્યા હતા. આ બંનેની તોફાની બેટિંગના દમ પર ભારતે શ્રીલંકા સામે 176 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.