T 20 World Cup Update: T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ તે પહેલા ક્રિકેટ જગતમાં એક મોટો વિવાદ છેડાયો છે. આ વિવાદનું કેન્દ્ર છે બાંગ્લાદેશ! મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવાના નિર્ણયથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) લાલઘૂમ થયું છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે હવે બાંગ્લાદેશે ભારત આવીને વર્લ્ડ કપ રમવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. એટલું જ નહીં, BCB એ હવે BCCI સાથે વાત કરવાને બદલે સીધું ICC સાથે ટકરાવના સંકેત આપ્યા છે. શું છે આ આખો વિવાદ?
T20 વર્લ્ડ કપ 2026 પહેલા ક્રિકેટના મેદાનમાં ખેલ શરૂ થાય તે પહેલા જ ‘બોર્ડ રૂમ’ માં યુદ્ધ શરૂ થઈ ગયું છે. વિવાદની શરૂઆત થઈ IPL 2026 થી, જ્યાં BCCI ના કથિત નિર્દેશ બાદ KKR એ બાંગ્લાદેશી સ્ટાર બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરી દીધો. આ એક નિર્ણયે બાંગ્લાદેશ ક્રિકેટમાં ભૂકંપ લાવી દીધો છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામે આ મામલે મૌન તોડ્યું છે. તેમણે સાફ શબ્દોમાં કહી દીધું છે કે બાંગ્લાદેશના ખેલાડીઓ સુરક્ષાના કારણોસર ભારત આવવા માંગતા નથી. BCB ની માંગ છે કે બાંગ્લાદેશના મેચો ભારતને બદલે શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે બાંગ્લાદેશ બોર્ડે હવે BCCI સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાનો ઈનકાર કર્યો છે. અમીનુલ ઈસ્લામે જણાવ્યું કે, “વર્લ્ડ કપ ICC ની ઇવેન્ટ છે, તેથી અમે સીધી ICC સાથે જ મીટિંગ કરીશું.” આ નિવેદને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે ભારત આ વર્લ્ડ કપનું યજમાન છે અને બાંગ્લાદેશનું આ વલણ મોટા વિવાદને નોતરી રહ્યું છે.
હવે જોવાનું એ રહેશે કે ICC આ વિવાદમાં શું મધ્યસ્થી કરે છે. શું ભારત તરફથી રમવાનો ઇનકાર કરનાર બાંગ્લાદેશની માંગ સ્વીકારાશે? કે પછી આ વિવાદ વર્લ્ડ કપના આયોજન પર મોટી અસર પાડશે.