રાજકોટ: રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો હતો. આ જીત સાથે કીવી ટીમે ત્રણ મેચની વનડે સિરીઝ 1-1થી બરાબર કરી દીધી. ખાસ વાત એ રહી કે આ મેદાન પર અત્યાર સુધી કોઈ પણ ટીમ રનચેઝ કરતી વેળાએ વનડે મેચ જીતી શકી નહોતી, જે ન્યૂઝીલેન્ડે કરીને બતાવ્યું.
285 રનના લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે 47.3 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 286 રન બનાવી લીધા. ધીમી પિચ પર ડેરિલ મિચેલે અત્યંત સમજદારીભરી બેટિંગ કરી અને 131 રનની નોટ આઉટ ઇનિંગ રમી. તેમની આ ઇનિંગ ન્યૂઝીલેન્ડની જીતનું મુખ્ય કારણ બની.

ડેરિલ મિચેલને વિલ યંગનો ઉત્તમ સહકાર મળ્યો. વિલ યંગે 87 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 162 રનની મજબૂત ભાગીદારી થઈ. આ ભાગીદારીએ ભારતની મેચમાં વાપસીની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું.
આ પહેલા ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન કે.એલ રાહુલે શાનદાર બેટિંગ કરતા 112 રનની નોટ આઉટ ઇનિંગ રમી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી.
ભારતીય ટોપ ઓર્ડરમાં શુભમન ગિલે 56 રન બનાવ્યા, જ્યારે રોહિત શર્મા 24 અને વિરાટ કોહલી 23 રન બનાવીને આઉટ થયા. રવીન્દ્ર જડેજાએ 27 રનની ઉપયોગી ઇનિંગ રમી, પરંતુ કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગમાં ફેરવાઈ શક્યો નહોતો.
ન્યૂઝીલેન્ડ તરફથી ક્રિસ્ટિયન ક્લાર્કે અસરકારક બોલિંગ કરી અને 56 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી. તેમની બોલિંગના કારણે ભારત મોટો સ્કોર ઉભો કરી શક્યું નહોતું.
આ જીત બાદ હવે સિરીઝનો નિર્ણયક મેચ રવિવાર, 18 જાન્યુઆરીએ ઇંદોરમાં રમાશે, જ્યાં બંને ટીમો સિરીઝ જીતવા માટે પૂરી તાકાત લગાવશે.