Team india: ક્રિકેટના મેદાનમાં ફરી એકવાર ગુંજશે ભારત-ભારતના નારા! ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી ૩ મેચોની ધમાકેદાર વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. BCCI એ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે અને સૌથી વધુ ચર્ચા ટીમ ઈન્ડિયાના બે પાયા સમાન ખેલાડીઓ – રોહિત શર્મા અને વિરાટ કોહલીની થઇ રહી છે. હાલમાં તો કીવી ટીમ માટે ચિંતાની વાત એ છે કે આ બંને દિગ્ગજોના આંકડા ન્યૂઝીલેન્ડ સામે કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. વિજય હઝારે ટ્રોફીમાં સદી ફટકારીને આ બંને શૂરવીરો અત્યારે લાલચોળ ફોર્મમાં છે ત્યારે જુઓ શું કહે છે આ બંને ખેલાડીઓનું ન્યુઝીલેન્ડ સામેનું પર્ફોમન્સ ……
હિટમેનનો ‘કીવી’ શિકાર
ભારતીય કેપ્ટન રોહિત શર્મા એટલે ન્યૂઝીલેન્ડના બોલરો માટે માથાનો દુખાવો એવી ગણના થાય છે. રોહિતે ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધી 31 વનડેમાં 38.32 ની એવરેજથી 1073 રન ફટકાર્યા છે, જેમાં 2 સદી અને 6 ફિફ્ટી સામેલ છે. ટેસ્ટ હોય કે T 20, ‘હિટમેન’નું બેટ કીવી ટીમ સામે હંમેશા ગરજ્યું છે. તાજેતરમાં જ વિજય હઝારે ટ્રોફીમાં સિક્કિમ સામે ૧૫૨ રનની તોફાની ઇનિંગ રમીને રોહિતે સાબિત કરી દીધું છે કે તે રન ભૂખ્યો છે!

કિંગ કોહલીનું વિરાટ સામ્રાજ્ય
બીજી બાજુ છે ‘રન મશીન’ વિરાટ કોહલી. વિરાટના આંકડા તો ન્યૂઝીલેન્ડને ડરાવવા માટે પૂરતા છે. કીવી ટીમ સામે 33 વનડેમાં 55.23 ની શાનદાર સરેરાશથી વિરાટે 1657 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 9 અડધી સદી નોંધાયેલી છે. વિરાટ પણ અત્યારે ફુલ ફોર્મમાં છે, તેણે તાજેતરમાં જ આંધ્રપ્રદેશ સામે 131 રન ફટકારીને કમબેક કર્યું છે.

ગુજરાતના મેદાનો અને શેડ્યૂલ
આ વખતે ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે ડબલ ટ્રીટ છે! સિરીઝનો પ્રારંભ 11 જાન્યુઆરીએ વડોદરાથી થશે, જ્યારે બીજી વનડે 14 જાન્યુઆરીએ રાજકોટના મેદાન પર રમાશે. ત્રીજી અને અંતિમ મેચ 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાવાની છે. શ્રેયસ અય્યરની વાપસી અને તેને વાઈસ-કેપ્ટન બનાવવાનો નિર્ણય મિડલ ઓર્ડરને વધુ મજબૂત બનાવશે.
ન્યૂઝીલેન્ડ સામે ‘ધબડકો’ લાવનારા આંકડા
| ખેલાડી | વનડે રન | એવરેજ | સદી |
| રોહિત શર્મા | 1073 | 38.32 | 2 |
| વિરાટ કોહલી | 1657 | 55.23 | 6 |
ભારત vs ન્યૂઝીલેન્ડ વનડે શેડ્યૂલ
1 st વનડે: 11 જાન્યુઆરી, રવિવાર – વડોદરા
2 nd વનડે: 14 જાન્યુઆરી, બુધવાર – રાજકોટ
૩ rd જી વનડે: 18 જાન્યુઆરી, રવિવાર – ઈન્દોર