Pat Cummins T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 ના આગાઝ પહેલા જ કાંગારૂ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર પેસર પેટ કમિન્સે આ ટૂર્નામેન્ટમાંથી હટી જવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. કમિન્સે ખુલાસો કર્યો છે કે શા માટે તેણે વિશ્વકપના સ્થાને આરામને મહત્વ આપ્યું અને IPL અંગે શું પ્લાન છે.

વિગતો અને કારણો
ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને ODI કેપ્ટન પેટ કમિન્સે સ્વીકાર્યું છે કે પીઠની ઈજા (Back Injury) ના કારણે તે વર્લ્ડ કપ રમી શકશે નહીં. ગયા વર્ષે વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. એડિલેડ ટેસ્ટ બાદ ડોક્ટરોએ તેને 4 થી 8 અઠવાડિયાના આરામની સલાહ આપી હતી. કમિન્સને આશા હતી કે તે ઝડપથી રિકવર થઈ જશે, પરંતુ લેટેસ્ટ સ્કેન રિપોર્ટમાં જાણવા મળ્યું કે હાડકાને પૂરેપૂરું ઠીક થવા માટે હજુ વધુ સમયની જરૂર છે. પરિણામે, કમિન્સના સ્થાને હવે બેન ડ્વાર્શુઈસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
કમિન્સના મતે, આ નિર્ણય પાછળનું મોટું કારણ આગામી 18 મહિનાનું વ્યસ્ત ઇન્ટરનેશનલ શિડ્યુલ છે. ઓસ્ટ્રેલિયાએ આગામી દોઢ વર્ષમાં ભારત સામેની ટેસ્ટ સિરીઝ, એશેઝ અને ODI વર્લ્ડ કપ જેવી ‘ક્રિકેટ મેરેથોન’ રમવાની છે. કમિન્સ નથી ઈચ્છતા કે તે આ મોટા ટૂર્નામેન્ટ્સ પહેલા પોતાની ફિટનેસ સાથે કોઈ જોખમ ઉઠાવે. તેમણે સ્પષ્ટ કર્યું કે લાંબા કરિયર માટે અત્યારે થોડા અઠવાડિયાનો આરામ લેવો અનિવાર્ય છે, જેથી તે આગળના પડકારો માટે 100% તૈયાર રહી શકે.

IPL ફેન્સ માટે રાહતના સમાચાર એ છે કે કમિન્સ 26 માર્ચથી શરૂ થનારી લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની કેપ્ટનશીપ કરવા માટે ઉત્સુક છે. કમિન્સે જણાવ્યું કે ટેસ્ટ ક્રિકેટની સરખામણીએ T20 ફોર્મેટમાં વાપસી કરવી થોડી સરળ હોય છે. જો આગામી સ્કેન રિપોર્ટ્સ પોઝિટિવ આવશે, તો તે IPL માં મેદાનમાં જોવા મળશે. અત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન યોગ્ય રિહેબિલિટીશન અને રિકવરી પર છે, જેથી તે ફરીથી પોતાની એ જ ઘાતક લયમાં બોલિંગ કરી શકે.