T20 World Cup 2026: ટીમ ઈન્ડિયા હવે T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓમાં વ્યસ્ત છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં ખરાબ પ્રદર્શન બાદ સંજુ સેમસનના સ્થાને સવાલ ઉભા થયા છે. શું સંજુ પ્લેઈંગ ઈલેવનમાં રહેશે કે ઈશાન કિશન બાજી મારી જશે? 4 ફેબ્રુઆરીનો વોર્મ-અપ મેચ ઘણી તસવીર સ્પષ્ટ કરશે.
ન્યૂઝીલેન્ડ સામે સંજુનું નબળું પ્રદર્શન
સંજુ સેમસન હાલમાં પોતાની નબળા ફોર્મને કારણે ચર્ચામાં છે. ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચમાં સંજુ માત્ર 46 રન જ બનાવી શક્યો હતો. તેની એવરેજ માત્ર 9.20ની રહી હતી. તે ક્રિઝ પર ટકી શકતો નહોતો. આ ખરાબ ફોર્મને કારણે ચાહકો અને પસંદગીકારોમાં નિરાશા જોવા મળી રહી છે. સંજુ માટે હવે ટીમમાં સ્થાન ટકાવી રાખવું મોટો પડકાર છે.

ઈશાન કિશનની ધમાકેદાર વાપસી
બીજી તરફ ઈશાન કિશને તક મળતા જ શાનદાર બેટિંગ કરી છે. ઈશાને માત્ર 4 મેચમાં 215 રન ફટકારી દીધા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 231.18 રહ્યો હતો. તે સૂર્યકુમાર યાદવ પછી સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બન્યો હતો. છેલ્લી મેચમાં વિકેટકીપિંગ ગ્લવ્સ પણ ઈશાનને સોંપાયા હતા. આ ઘટના સંજુ સેમસન માટે ખતરાની ઘંટડી સમાન માનવામાં આવે છે.
વોર્મ-અપ મેચથી થશે નિર્ણય
ભારત 4 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે વોર્મ-અપ મેચ રમશે. આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ જે પ્લેઈંગ ઈલેવન ઉતારશે, તેનાથી વર્લ્ડ કપની ટીમનો અંદાજ આવી જશે. જો ઈશાન કિશનને કીપર તરીકે તક મળશે તો સંજુ બહાર બેસી શકે છે. ટીમ ઈન્ડિયા તેની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ અમેરિકા સામે રમવાની છે.