Scotland Team Announced: T20 વર્લ્ડ કપ 2026 માટે સ્કોટલેન્ડની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં એક એવા ખેલાડીની એન્ટ્રી થઈ છે જે મેદાન પર ‘એક્સ ફેક્ટર’ સાબિત થઈ શકે છે.
7 ફેબ્રુઆરીથી શરૂ થનારા આ મેગા ઈવેન્ટમાં સ્કોટલેન્ડની ટીમ ‘વાઈલ્ડ કાર્ડ’ એન્ટ્રી તરીકે મેદાનમાં ઉતરશે. ખાસ વાત એ છે કે બાંગ્લાદેશની જગ્યાએ હવે ગ્રુપ-સીમાં સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવ્યું છે. ટીમની કમાન અનુભવી ખેલાડી રિચી બેરિંગ્ટન સંભાળશે. સ્કોટલેન્ડની આ ટીમ બાંગ્લાદેશ કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવી રહી છે. ભારત અને શ્રીલંકાની ધરતી પર રમાનારા આ વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ મોટો ઉલટફેર કરવાની ક્ષમતા ધરાવે છે.

અફઘાની મૂળના ખેલાડીની એન્ટ્રી
આ સ્ક્વોડમાં સૌથી વધુ ચર્ચા 19 વર્ષના યુવા ખેલાડી ઝૈનુલ્લાહ ઇહસાનની થઈ રહી છે. ઇહસાન મૂળ અફઘાનિસ્તાનનો છે અને તેણે હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તેમ છતાં, તેની પ્રતિભાને જોઈને તેને સીધો વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે. એશિયાની સ્પિન ફ્રેન્ડલી પિચો પર તે વિરોધી ટીમો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સ્કોટલેન્ડને આશા છે કે ઇહસાન ભારત અને શ્રીલંકાના મેદાન પર જાદુ ચલાવશે.
વર્લ્ડ કપ માટે સ્કોટલેન્ડની સંપૂર્ણ ટીમ
સ્કોટલેન્ડની 15 સભ્યોની ટીમમાં અનુભવ અને યુવા જોશનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. ટીમમાં રિચી બેરિંગ્ટન (કેપ્ટન), ટોમ બ્રુસ, મેથ્યુ ક્રોસ અને બ્રેડલી કરી જેવા શાનદાર ખેલાડીઓ છે. આ ઉપરાંત ઓલિવર ડેવિડસન, ક્રિસ ગ્રીવ્સ, ઝૈનુલ્લાહ ઇહસાન અને માઈકલ જોન્સ પણ ટીમમાં સામેલ છે. માઈકલ લીસ્ક, ફિનલે મેકક્રીથ, બ્રાન્ડન મેકમુલન અને જ્યોર્જ મુન્સી બેટિંગ વિભાગને મજબૂત કરશે. જ્યારે સફયાન શરીફ, માર્ક વોટ અને બ્રેડલી વ્હીલ બોલિંગની જવાબદારી સંભાળશે.
રિઝર્વ ખેલાડીઓની યાદી
ટીમની સાથે ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે જેસ્પર ડેવિડસન અને જેક જાર્વિસ રહેશે. જ્યારે નોન-ટ્રાવેલિંગ રિઝર્વમાં મેકેન્ઝી જોન્સ, ક્રિસ મેકબ્રાઈડ અને ચાર્લી ટીયરને રાખવામાં આવ્યા છે. સ્કોટલેન્ડની આ ટીમ ગ્રુપ સ્ટેજમાં અન્ય મોટી ટીમો માટે ખતરો બની શકે છે.