T20 World Cup Winner Amount: ક્રિકેટના મહાકુંભ એટલે કે ટી20 વર્લ્ડ કપ 2026નો પ્રારંભ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકાની ધરતી પર થઈ રહ્યો છે. આ વખતે મેદાન પર રનનો જ નહીં, પણ વિજેતા ટીમ પર પૈસાનો પણ જબરદસ્ત વરસાદ થવાની શક્યતા છે.

રેકોર્ડબ્રેક ઇનામી રાશિનો અંદાજ
આ વર્ષે આઈસીસી (ICC) પ્રાઈઝ મનીમાં મોટો વધારો કરી શકે છે. વર્ષ 2024માં કુલ પ્રાઈઝ પૂલ અંદાજે 93 કરોડ રૂપિયા ($11.25 મિલિયન) હતો. રિપોર્ટ્સ મુજબ, આ વખતે તેમાં 20%નો વધારો જોવા મળી શકે છે. જો આ વધારો લાગુ થાય તો કુલ બજેટ વધીને 120 કરોડ રૂપિયા ($13.5 મિલિયન) સુધી પહોંચી શકે છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેના વિવાદોને કારણે રેવન્યુ પર થોડી અસર થવાની આશંકા પણ સેવાઈ રહી છે.
ચેમ્પિયન ટીમને કેટલા મળશે?
ગત વર્ષે ભારત ચેમ્પિયન બન્યું ત્યારે ટીમને અંદાજે 20.42 કરોડ રૂપિયા મળ્યા હતા. વર્ષ 2026માં આ રકમ વધીને 27.48 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. રનર-અપ એટલે કે ફાઈનલ હારનારી ટીમને અંદાજે 14.65 કરોડ રૂપિયા મળી શકે છે. સેમીફાઈનલમાં હારનારી બંને ટીમોને પણ 7.24 કરોડ રૂપિયા જેવી મોટી રકમ ફાળવવામાં આવશે. જ્યારે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને ખાલી હાથે પરત નહીં ફરવું પડે.
કેમ વધી રહી છે કમાણી?
ભારત અને શ્રીલંકામાં ક્રિકેટની લોકપ્રિયતા આસમાને છે. ભારતીય માર્કેટમાં વિજ્ઞાપન અને બ્રોડકાસ્ટિંગ રાઈટ્સની કિંમત ઘણી ઊંચી હોય છે. આ વખતે કુલ 20 ટીમો મેદાનમાં ઉતરવાની છે. વધુ મેચો એટલે કે વધુ આવક, જેના કારણે આઈસીસી ખેલાડીઓ માટે ઇનામી રકમ વધારવા જઈ રહ્યું છે. 5મી થી 12મી રેન્ક ધરાવતી ટીમોને પણ અંદાજે 3.48 કરોડ રૂપિયા મળશે. જ્યારે માત્ર ભાગ લેનારી ટીમોને 2.29 કરોડ રૂપિયા પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે.