Team India Announced: ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં આગામી ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન રમાનારા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ મહત્વની ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ કરશે. જોકે, આ વખતની ટીમ પસંદગીમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં સ્ટાર ઓપનર શુભમન ગિલ અને વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ મોટા ફેરફારો સાથે ભારતીય ટીમ ઘરઆંગણે યોજાનારા આ વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતરશે.
ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પસંદગી માટે મુંબઈમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરના નેતૃત્વમાં પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ભાગ લીધો હતો.
ટીમ ઈન્ડિયાની જાહેરાત
ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. મુંબઈમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરના નેતૃત્વમાં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા હાજર રહ્યા હતા. ટીમમાં સૌથી મોટો ફેરફાર કરતા ઉપકેપ્ટન શુભમન ગિલ અને વિકેટકીપર જિતેશ શર્માને બહાર કરવામાં આવ્યા છે, જ્યારે તેમના સ્થાને રિંકુ સિંહ અને ઈશાન કિશનની ટીમમાં વાપસી થઈ છે. અગરકરે જણાવ્યું કે ટીમના કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
15 સભ્યોની ટીમ અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ
T20 વર્લ્ડ કપ માટે હાલમાં 15 સભ્યોની પ્રારંભિક ટીમની પસંદગી કરવામાં આવી છે, જેમાં જરૂર જણાયે ભવિષ્યમાં ફેરફાર થઈ શકે છે. આ જ ટીમ ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચોની T20 સીરીઝમાં પણ રમશે, જેની શરૂઆત 21 જાન્યુઆરીથી થશે. ત્યારબાદ 7 ફેબ્રુઆરીથી વર્લ્ડ કપનો પ્રારંભ થશે.
ભારતનું શિડ્યુલ
T20 વર્લ્ડ કપમાં ભારત પોતાની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં અમેરિકા સામે રમશે. ત્યારબાદ ટીમ 12 ફેબ્રુઆરીએ નામિબિયાનો સામનો કરવા માટે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ જશે. 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર થશે. આ પછી, ટીમ 18 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે મેચ રમીને ગ્રુપ રાઉન્ડ પૂર્ણ કરશે.
ટુર્નામેન્ટના આગળના તબક્કાની વિગતો
સુપર-8 રાઉન્ડ: 21 ફેબ્રુઆરી થી 1 માર્ચ
સેમીફાઈનલ: 4 અને 5 માર્ચ
ફાઈનલ: 8 માર્ચના રોજ રમાશે.
T20 વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચોની T20 સીરીઝ માટેની ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન),અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે,અક્ષર પટેલ (ઉપકેપ્ટન), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંહનો સમાવેશ થાય છે.