T 20 વર્લ્ડ કપ 2026 માટે સૂર્યાની સેના તૈયાર છે, જેમાં ઈશાન કિશન અને રિંકુ સિંહની વાપસીથી ફેન્સ ખુશ છે. પરંતુ આ સિલેક્શનમાં એક એવા ખેલાડીની બાદબાકીએ સૌને ચોંકાવી દીધા છે, જે આઈસીસી ટુર્નામેન્ટ્સમાં ભારત માટે હંમેશા ‘તુરુપનો એક્કો’ સાબિત થયો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો પહાડ સર્જવા છતાં ગંભીર અને અગરકરે આ દિગ્ગજને સાઈડલાઈન કરી દીધો છે. આખરે કેમ આ મેચ-વિનરની અવગણના કરવામાં આવી? શું આ અન્યાય છે કે પછી કોઈ નવી રણનીતિ?”
સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ T 20 -2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને ઘરેલુ મેચોમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે રિંકુ સિંહની પણ ટીમમાં વાપસી થઈ છે. જોકે, વાઈસ કેપ્ટન શુભમન ગિલ અને વિકેટકીપર જિતેશ શર્માને બહાર રાખીને પસંદગીકારોએ સૌને ચોંકાવી દીધા છે.
ખરાબ ફોર્મમાં હોવા છતાં સૂર્યકુમાર યાદવ પોતાનું સ્થાન બચાવવામાં સફળ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આટલી મોટી ટુર્નામેન્ટ પહેલા કેપ્ટન બદલવાનું જોખમ ઉઠાવવા માંગતું ન હતું અને તે જ કારણે સૂર્યાનું સ્થાન જળવાઈ રહ્યું છે. શુભમન અને જિતેશ સિવાય પણ ઘણા ખેલાડીઓ T 20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ દરમિયાન, એક એવો ખેલાડી પણ છે જે ICC ટુર્નામેન્ટ્સમાં ભારત માટે હંમેશા ‘તુરુપનો એક્કો’ સાબિત થયો છે અને ઘરેલુ મેચોમાં પણ દમદાર પ્રદર્શન કરી રહ્યો છે, તેમ છતાં તેની પસંદગી કરવામાં આવી નથી.
વાપસીની રાહ જોઈ રહ્યો છે આ દિગ્ગજ
સૌથી વધુ ચર્ચા મોહમ્મદ શમીની થઈ રહી છે. 35 વર્ષનો આ ફાસ્ટ બોલર, જે ICC ટુર્નામેન્ટમાં ભારત માટે ‘તુરુપનો એક્કો’ સાબિત થતો આવ્યો છે, તેને સાઈડલાઈન કરી દેવામાં આવ્યો છે. શમી છેલ્લે 9 માર્ચ 2025ના રોજ ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં રમ્યો હતો, જેમાં ભારત વિજેતા બન્યું હતું. ઈજામાંથી બહાર આવ્યા બાદ શમીએ ઘરેલુ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સિલેક્શન અંગે ખુલ્લેઆમ નિવેદનો પણ આપ્યા, તેમ છતાં ચીફ સિલેક્ટર અજીત અગરકર અને કોચ ગૌતમ ગંભીરનું દિલ પીગળ્યું નથી.
ધોની-કોહલી અને રોહિતના ફેવરિટ છે મોહમ્મદ શમી
મોહમ્મદ શમીએ 2013માં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે સતત ભારત માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે ICC ટુર્નામેન્ટમાં હંમેશા ભારતનો ‘ટ્રમ્પ કાર્ડ’ સાબિત થયો છે. શમી 2015, 2019 અને 2023ના વનડે વર્લ્ડ કપમાં રમી ચૂક્યો છે. તેને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માનું સતત સમર્થન મળ્યું છે અને તે આ ત્રણેય દિગ્ગજોનો ફેવરિટ બોલર રહ્યો છે.
શમી માટે વાપસીના દરવાજા હજુ બંધ થયા નથી
એટલે કે ભલે શમીને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન મળ્યું હોય, પરંતુ તેના માટે વાપસીના દરવાજા હજુ બંધ થયા નથી. મોહમ્મદ શમીને આગામી વિજય હજારે ટ્રોફી માટે બંગાળની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટમાં શમી બંગાળના પેસ એટેકનું નેતૃત્વ કરશે ત્યારે હવે શમી પાસે પોતાની ફિટનેસ અને ફોર્મ સાબિત કરવાની બે મોટી તક છે. પ્રથમ વિજય હજારે ટ્રોફી અને ત્યારબાદ IPL 2026, જ્યાં તે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે. જો શમી આ બંને ઇવેન્ટ્સમાં પોતાની જૂની ધાર બતાવી શકશે, તો પસંદગીકારોએ તેની વાપસી પર વિચાર કરવો જ પડશે.