જયપુર: જયપુરના મેદાન પરથી મુંબઈ ક્રિકેટ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા. વિજય હજારે ટ્રોફીમાં ઉત્તરાખંડ સામેના મુકાબલા દરમિયાન મુંબઈનો યુવા સ્ટાર અંગકૃષ રઘુવંશી ફિલ્ડિંગ કરતી વખતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજા એટલી ગંભીર હતી કે તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવો પડ્યો અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ભારતીય ઘરેલું ક્રિકેટની સૌથી મોટી લિસ્ટ-એ ટૂર્નામેન્ટ ‘વિજય હજારે ટ્રોફી’ની સીઝન શરૂ થઈ ચૂકી છે, જેમાં ૨૬ ડિસેમ્બરના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈ અને ઉત્તરાખંડની ટીમ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો હતો.
આ મેચમાં મુંબઈની ટીમના સ્ટાર ખેલાડીઓ પૈકીના એક અને વિકેટકીપર બેટ્સમેન અંગકૃષ રઘુવંશીને ફિલ્ડિંગ દરમિયાન ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. આ ઈજા કેટલી ગંભીર હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમને મેદાન પરથી સ્ટ્રેચર પર લઈ જઈને સીધા હોસ્પિટલ રવાના કરવામાં આવ્યો હતો.
કેચ પકડવા જતાં અંગકૃષ રઘુવંશી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ મુકાબલામાં મુંબઈની ટીમને પ્રથમ બેટિંગ કરવાની તક મળી હતી, જેમાં તેમણે ૫૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૩૩૧ રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઉત્તરાખંડની ટીમની ઈનિંગની ૩૦મી ઓવરમાં તેમના બેટ્સમેન સૌરભ રાવતે સ્લોગ સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બોલ બેટની ઉપરની ધાર પર વાગ્યો અને મિડ-વિકેટ બાઉન્ડ્રી તરફ હવામાં ગયો હતો.
🚨Angkrish Raghuvanshi rushed to hospital after he got injured while attempting for catch, Hope nothing serious 🙏
📍Jaipur
pic.twitter.com/jWlKHTWh2h
— RCB (@RCBtweetzz) December 26, 2025
ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા અંગકૃષ રઘુવંશીએ કેચ પકડવા માટે ખૂબ જ ઝડપથી દોટ લગાવી હતી, જેમાં અંતમાં તેમણે ડાઈવ લગાવીને કેચ પકડવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન તેઓ બોલ તો ન પકડી શક્યા, પરંતુ પોતાના માથા અને ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી બેઠા. મેદાન પર પડ્યા બાદ અંગકૃષ રઘુવંશી ભારે પીડામાં જોવા મળ્યા હતા, જેને પગલે મુંબઈની ટીમના બાકીના ખેલાડીઓ અને મેડિકલ સ્ટાફ તરત જ તેમની પાસે પહોંચી ગયો હતો. ત્યારબાદ તેમને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યા અને ત્યાંથી સીધા એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હતા.
બેટિંગમાં અંગકૃષ અને રોહિત રહ્યા નિષ્ફળ
જો આ મેચમાં અંગકૃષ રઘુવંશીના બેટિંગ પ્રદર્શન પર નજર કરીએ તો તેમાં કોઈ ખાસ કમાલ જોવા મળ્યો ન હતો. રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરેલા અંગકૃષના બેટથી માત્ર ૧૧ રનની ઇનિંગ જોવા મળી હતી, તો બીજી તરફ રોહિત શર્મા પણ આ મેચમાં ‘ગોલ્ડન ડક’ પર પેવેલિયન પરત ફર્યો હતો. મુંબઈની ટીમ માટે આ મુકાબલામાં હાર્દિક તામોરેએ અણનમ ૯૩ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સરફરાઝ ખાન અને મુશીર ખાન — બંને ભાઈઓના બેટથી ૫૫-૫૫ રનની ઇનિંગ્સ જોવા મળી હતી.