Team India Performance 2025: ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2025 મિશ્ર પ્રતિસાદ આપનારું રહ્યું છે. ત્રણમાંથી 2 ફોર્મેટમાં ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, તો એક ફોર્મેટમાં હાલત કફોડી રહી હતી. ભારતે દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરીઝ સાથે આ વર્ષની સફર પૂરી કરી છે. હવે આવતા વર્ષે ટીમ સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.
કેવું રહ્યું ટીમ ઇન્ડિયાનું પર્ફોમન્સ
વર્ષ 2025 હવે ગણતરીના દિવસોમાં ઈતિહાસ બની જશે. વર્ષના છેલ્લા એટલે કે ડિસેમ્બર મહિનામાં હવે માત્ર 10 દિવસ જ બાકી રહ્યા છે. ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટમાં પછડાટ ખાતી જોવા મળી, જ્યારે T20 અને વનડે (ODI) માં તેનો દબદબો જળવાઈ રહ્યો. ટીમ ઈન્ડિયાએ એકતરફ ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને વિશ્વમાં પોતાની શક્તિનો પરિચય આપ્યો, તો બીજી તરફ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હારનો સામનો કરવો પડ્યો. ઇંગ્લેન્ડ સામેની ‘એન્ડરસન-તેંડુલકર ટ્રોફી’ ડ્રો રહી, જ્યારે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ ગુમાવવી એ ચાહકો માટે ચોંકાવનારું રહ્યું. જોકે, T20 ફોર્મેટમાં ભારતીય ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને તરખાટ મચાવ્યો.એકંદરે જોઈએ તો, આ વર્ષે ટીમે ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ રંગ બતાવ્યા છે.
ટેસ્ટમાં કેવું રહ્યું ભારતનું પ્રદર્શન?
સૌ પ્રથમ વાત કરીએ ટેસ્ટ ક્રિકેટની, જેમાં ટીમ ઈન્ડિયાની હાલત ઘણી કફોડી રહી હતી. વર્ષ 2025માં ભારતે કુલ 10 ટેસ્ટ મેચ રમી, જેમાંથી ટીમ માત્ર 4 મેચ જીતી શકી, જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ ડ્રો રહી હતી. ભારતને ઈંગ્લેન્ડ સામે બે અને દક્ષિણ આફ્રિકા સામે પણ બે મેચમાં પરાજય મળ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા સામે પણ એક મેચ ગુમાવવી પડી હતી.
સૌથી વધુ ચોંકાવનારી વાત એ રહી કે આ વર્ષે ભારત પોતાની ઘરઆંગણે પણ ટેસ્ટ મેચ હારી ગયું. દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને ટેસ્ટ સીરીઝમાં 0-2થી ક્લીન સ્વીપ કરીને કારમો પરાજય આપ્યો હતો.
વનડેમાં કેવું રહ્યું ભારતનું પ્રદર્શન?
જો વનડે (ODI) ફોર્મેટની વાત કરીએ તો, ભારતે આ વર્ષે કુલ 14 મેચ રમી, જેમાંથી 11 મેચમાં જીત મેળવી અને માત્ર 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આ વર્ષે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે બે અને દક્ષિણ આફ્રિકા સામે એક વનડે મેચ ગુમાવી હતી.
આ વર્ષની સૌથી ખાસ વાત એ રહી કે ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે આ ટૂર્નામેન્ટમાં 5 મેચ રમી હતી અને એક પણ મેચ હાર્યા વગર ખિતાબ પોતાના નામે કર્યો હતો.
T20માં કેવું રહ્યું ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન?
હવે વાત કરીએ T20 ફોર્મેટની, તો આ વર્ષ ટીમ ઈન્ડિયા માટે અત્યંત શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે આ વર્ષે કુલ 21 મેચ રમી, જેમાંથી 15 મેચમાં ભવ્ય વિજય મેળવ્યો, જ્યારે માત્ર 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય એક મુકાબલો ટાઈ રહ્યો હતો અને 2 મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું.
આ વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ એ રહી કે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025ની ટ્રોફી પોતાના નામે કરી હતી. ભારતે ફાઈનલ મેચમાં પાકિસ્તાનને પરાજય આપીને ખિતાબ જીત્યો હતો.
વર્ષ 2025નું ટૂંકું સરવૈયું
| ફોર્મેટ | કુલ મેચ | જીત | હાર | પરિણામ |
| ટેસ્ટ | 10 | 04 | 05 | 01 ડ્રો, ઘરઆંગણે ક્લીન સ્વીપ |
| ODI | 14 | 11 | 03 | ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા |
| T20 | 21 | 15 | 03 | એશિયા કપ વિજેતા |