Beyond The Kerala Story: વર્ષ 2023માં બોક્સ ઓફિસ પર તોફાન લાવનારી અને દેશભરમાં ચર્ચા જગાવનારી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ યાદ છે? એ ફિલ્મ જેણે નેશનલ એવોર્ડ જીત્યા અને વિવાદોના વંટોળ પણ જોયા. હવે એ જ સત્યની સફરને આગળ વધારવા માટે નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ તૈયાર છે. ‘બિયોન્ડ ધ કેરળ સ્ટોરી’ની ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ વખતે વાર્તા માત્ર કેરળ સુધી સીમિત નથી, પરંતુ દેશના ખૂણેખૂણે છુપાયેલા એવા રહસ્યો બહાર આવશે જે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે!
સત્ય અટકશે નહીં, સત્ય ઝુકશે નહીં
સનશાઇન પિક્ચર્સ દ્વારા જારી કરવામાં આવેલા પાવરફુલ મોશન પોસ્ટરે અત્યારે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. પોસ્ટરના શબ્દો સાફ કહી રહ્યા છે કે – “તેમણે કહ્યું આ માત્ર એક વાર્તા છે, તેમણે તેને દબાવવાની કોશિશ કરી, બદનામ કરવાની કોશિશ કરી, પણ સત્ય અટક્યું નહીં.” આ વખતે દર્દ વધુ ઊંડું છે અને વાસ્તવિકતા વધુ ભયાનક.

દેશવ્યાપી કાવતરાનો પર્દાફાશ
‘બિયોન્ડ ધ કેરળ સ્ટોરી’નું નિર્દેશન નેશનલ એવોર્ડ વિજેતા કામાખ્યા નારાયણ સિંહ કરી રહ્યા છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે આ વખતે કેનવાસ મોટો છે. આ ફિલ્મ ભારતની એવી સાચી ઘટનાઓ પર આધારિત છે જે અત્યાર સુધી દુનિયાની નજરથી છુપાવવામાં આવી હતી. નાના શહેરોની સચ્ચાઈને કુદરતી રીતે રજૂ કરવા માટે આ વખતે ઘણા નવા કલાકારોને તક આપવામાં આવી છે.
રેકોર્ડ બ્રેકિંગ ઈતિહાસ અને નવો પડકાર
જણાવી દઈએ કે ‘ધ કેરળ સ્ટોરી’ એ ન માત્ર બોક્સ ઓફિસના રેકોર્ડ તોડ્યા હતા, પરંતુ ધર્મ પરિવર્તન અને આતંકવાદના જાળમાં ફસાયેલી દીકરીઓની વાત છેડીને આખા દેશને હચમચાવી દીધો હતો. જોકે, આ ફિલ્મને પ્રોપેગેન્ડા પણ કહેવામાં આવી હતી, પણ જનતાના પ્રતિસાદે તેને બ્લોકબસ્ટર બનાવી દીધી. હવે, 27 ફેબ્રુઆરી 2026 ના રોજ ‘બિયોન્ડ ધ કેરળ સ્ટોરી’ સિનેમાઘરોમાં શું નવો ઈતિહાસ રચશે, તેના પર સૌની નજર છે.
તો તૈયાર થઈ જાઓ, કારણ કે 27 ફેબ્રુઆરીએ જ્યારે પડદો ઉંચકાશે, ત્યારે ફરી એકવાર સત્યના પાયા પર બનેલી આ ફિલ્મ એ જૂથનો પર્દાફાર્શ કરી દેશે કે જે જૂથ વર્ષોથી છુપાયેલું હતું.