Bollywood Lucky Date: પ્રજાસત્તાક પર્વનો અવસર બોલિવૂડ માટે હંમેશા નસીબદાર સાબિત થયો છે. આ દિવસે રિલીઝ થયેલી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર નોટોનો વરસાદ કરીને અનેક રેકોર્ડ તોડ્યા છે.
બોલિવૂડમાં 26 જાન્યુઆરીનો વીકેન્ડ ‘ગોલ્ડન પીરિયડ’ માનવામાં આવે છે. દેશભક્તિનો માહોલ અને રજાનો દિવસ ફિલ્મોની કમાણીમાં ચાર ચાંદ લગાવી દે છે. આ વર્ષે સની દેઓલની ‘બોર્ડર 2’ પર સૌની નજર છે. શું આ ફિલ્મ અગાઉના તમામ રેકોર્ડ તોડી શકશે? તે જોવું રસપ્રદ રહેશે.

વર્ષ 2023માં આવેલી ‘પઠાણ’ ફિલ્મે બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા હતા. 26 જાન્યુઆરીના દિવસે આ ફિલ્મે માત્ર હિન્દીમાં જ 70 કરોડનું કલેક્શન કર્યું હતું. શાહરૂખની આ ફિલ્મે દુનિયાભરમાં 1050 કરોડથી વધુની કમાણી કરીને નવો ઈતિહાસ રચ્યો હતો.

ઋતિક અને દીપિકાની 2024માં વાયુસેના પર આધારિત ફિલ્મ ‘ફાઈટર’ પ્રજાસત્તાક દિને રિલીઝ થઈ હતી. પ્રજાસત્તાક દિને આ ફિલ્મે 40 કરોડનો શાનદાર બિઝનેસ કર્યો હતો. ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની આ ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પર 359 કરોડનો આંકડો પાર કર્યો હતો.

સંજય લીલા ભણસાલીની સુપરહિટ ‘પદ્માવત’ 2018માં ભારે વિરોધ વચ્ચે રિલીઝ થઈ હતી. અનેક રાજ્યોમાં પ્રતિબંધ હોવા છતાં, 26 જાન્યુઆરીએ ફિલ્મે 32 કરોડની કમાણી કરી હતી. દીપિકા અને રણવીરની આ ફિલ્મે કુલ 585 કરોડનો બિઝનેસ કર્યો હતો.

અક્ષય કુમાર માટે 26 જાન્યુઆરીનો દિવસ હંમેશા લકી રહ્યો છે. તેની ફિલ્મ ‘એરલિફ્ટ’ અને ‘બેબી’ આ જ ગાળામાં રિલીઝ થઈ હતી. ‘એરલિફ્ટ’ એ દુનિયાભરમાં 210 કરોડ કમાઈને સુપરહિટનો ટેગ મેળવ્યો હતો. આ ફિલ્મોએ દેશભક્તિના જજબાને નવી ઊંચાઈ આપી હતી.

વર્ષ 2017માં શાહરૂખ ખાનની ‘રઈસ’ અને ઋતિક રોશનની ‘કાબિલ’ વચ્ચે જોરદાર ક્લેશ થયો હતો.

રઈસે 26 જાન્યુઆરીએ 26.30 કરોડ અને કાબિલે 18.70 કરોડની કમાણી કરી હતી. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.