Kangana Ranaut Receats : મહાયુતિને મળેલી મોટી જીત પર અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે અને શિવસેના (UBT) પર કડક ટિપ્પણી કરી છે. કંગનાએ આ જીતને “ન્યાય” અને “ભગવા લહેર” ગણાવી છે.
કંગના રનૌતે 2020ની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જેમણે મને ગાળો આપી, ઘર તોડ્યું અને મહારાષ્ટ્ર છોડવાની ધમકી આપી, આજે મહારાષ્ટ્રની જનતાએ તેમને જ સત્તાથી દૂર કરી દીધા છે. તેમણે ઉદ્ધવ ઠાકરે પર મહિલા વિરોધી અને નેપોટિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ મૂક્યો.

એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે BMC ચૂંટણીમાં ભાજપની જીતથી તેઓ ખૂબ ખુશ છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સમગ્ર ભાજપ પરિવારને અભિનંદન પાઠવ્યા. કંગનાએ કહ્યું કે આ જીત માત્ર રાજકીય નહીં, પરંતુ ન્યાયની જીત છે.
BMC ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. મહાયુતિ બહુમતીના આંકડા નજીક પહોંચી ગઈ છે, જેના કારણે મુંબઈમાં ભાજપનો પહેલો મેયર બનવાની શક્યતા મજબૂત બની છે. ચૂંટણીના પરિણામો મુજબ, મુંબઈની 227 બેઠકોમાંથી ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે.
લગભગ ત્રણ દાયકાથી BMC પર કાબૂ ધરાવતી શિવસેના (હવે UBT ગઠબંધન)ની પકડ આ ચૂંટણીમાં નબળી પડી હોવાનું સ્પષ્ટ થાય છે. ઉત્તર ભારતીય, ગુજરાતી અને અન્ય સમુદાયોના મતથી ભાજપને મોટો ફાયદો થયો છે, જ્યારે કોંગ્રેસ અને એનસીપીને અપેક્ષા મુજબ સમર્થન મળ્યું નથી.
કુલ મળીને, BMC ચૂંટણીના પરિણામોએ મહારાષ્ટ્રની રાજનીતિમાં નવી દિશા દર્શાવી છે.