Friday Movie Released: શું તમે ક્યારેય વિચાર્યું છે કે બોલિવૂડની મોટાભાગની ફિલ્મો શુક્રવારે જ કેમ રિલીઝ થાય છે? આ માત્ર કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ તેની પાછળ વર્ષો જૂનો ઇતિહાસ, ધાર્મિક માન્યતા અને મજબૂત બિઝનેસ લોજિક છુપાયેલું છે.
ઐતિહાસિક ટ્રેન્ડ અને ‘મુગલ-એ-આઝમ’નો જાદુ
બોલિવૂડમાં શુક્રવારે ફિલ્મ રિલીઝ કરવાનો ટ્રેન્ડ હોલીવુડની ફિલ્મ ‘ગોન વિથ ધ વિન્ડ’ (1939) થી પ્રભાવિત છે. ભારતમાં આ ટ્રેન્ડ 1960માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ થી લોકપ્રિય થયો. આ ફિલ્મ 5 ઓગસ્ટ, 1960 ના રોજ શુક્રવારે રિલીઝ થઈ હતી અને તેની ભવ્ય સફળતા બાદ મેકર્સ માટે શુક્રવાર લકી બની ગયો.

લક્ષ્મીજીની કૃપા અને ધાર્મિક મહત્વ
બીજું એ કે, ભારતીય સંસ્કૃતિમાં શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. ફિલ્મ નિર્માતાઓનું માનવું છે કે આ દિવસે ફિલ્મ રિલીઝ કરવાથી સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે. આ જ કારણ છે કે ઘણા પ્રોડ્યુસર્સ માત્ર રિલીઝ જ નહીં, પણ ફિલ્મનો પહેલો શોટ (મુહૂર્ત) પણ શુક્રવારે જ કરવાનું પસંદ કરે છે.
વર્કિંગ કલ્ચર અને વીકેન્ડનો ફાયદો
1950 ના દાયકામાં કર્મચારીઓને શુક્રવારે અડધા દિવસની રજા મળતી હતી, જેનો ઉપયોગ તેઓ પરિવાર સાથે સિનેમા જોવા માટે કરતા. આજના સમયમાં પણ શુક્રવાર એ અઠવાડિયાનો છેલ્લો વર્કિંગ ડે હોય છે. શુક્રવારે ફિલ્મ રિલીઝ થવાથી શનિવાર અને રવિવારની રજાનો સીધો ફાયદો ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને મળે છે.

ખર્ચમાં બચત અને સ્ક્રીનિંગ ચાર્જ
બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો, મલ્ટિપ્લેક્સ માલિકોને સ્ક્રીનિંગ માટે ચૂકવવામાં આવતી રકમ અઠવાડિયાના અન્ય દિવસોની સરખામણીએ શુક્રવારે ઓછી હોય છે. આ રીતે ઓછા ખર્ચે વધુ કમાણી કરવાની તક પ્રોડ્યુસર્સને મળે છે.