Gujarat News: અત્યારે ભૌતિકવાદની ચરમસિમાએ જ્યારે રુપિયો જ સર્વસ્વ છે અને રુપિયા માટે બે સગાભાઈના કોર્ટમાં સામસામે કેસ લડવાના અને રુપિયા માટે સગાભાઈની હત્યા કરવા સુધીના દુઃખદ બનાવો સમાજમાં અવારનવાર બને છે તેવા સમયમાં એક મોટાભાઈએ પોતાના નાનાભાઈના જન્મદિવસે માન્યતામાં ન આવે એવી અભૂતપૂર્વ ભેટ આપી છે. જાણીતા હાસ્યકલાકાર, લેખક, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ પોતાના અનુજ ડો. કલ્પેશ ત્રિવેદીના પચાસમા જન્મદિવસે એમના નામની હાઈસ્કુલ અને છાત્રાલય બનાવીને જન્મદિવસની ભેટ આપી છે.

૩૦૯ શાળાના મનોરથી એવા માતુ કાશીબહેન ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના દાનવીર કેશુભાઈ ભગત સાથે ભાગીદારીથી જગદીશ ત્રિવેદીએ આશરે સિત્તેર લાખ રુપિયાના ખર્ચે પોતાના અનુજના નામની હાઈસ્કુલ અને છાત્રાલય બનાવી સમાજને ભેટ આપી હતી.બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ખોબાં જેવડાં ખસ ગામમાં બનેલી ડો. કલ્પેશ ત્રિવેદી માધ્યમિક શાળાનું પ્રસિદ્ધ લેખક, પ્રખર વક્તા અને ક્રાંતિકારી સંત પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીએ ૯૩ વરસની જૈફ ઉંમરે પણ લાગણીથી પધારી ઉદઘાટન કર્યુ હતું.
આ પ્રસંગે ત્રણ પદ્મશ્રીઓ શાહબુદ્દીન રાઠોડ, ભીખુદાન ગઢવી અને જોરાવરસિંહ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સાંસદ રામભાઈ મોકરીયા , નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી તેમજ સુવિખ્યાત કટારલેખક તેમજ વક્તા જય વસાવડા વિશેષ ઉપસ્થિત હતા.
સરકારે ઓઈલ કંપનીઓને આપી દીધી મોટી રાહત, ટેક્સમાં આટલો ઘટાડો કર્યો, હવે પેટ્રોલ ડીઝલ સસ્તું થશે જ!
ગરમ કપડાં અને રેઈનકોર્ટ બન્ને કાઢી રાખજો, પારો જોરદાર નીચે ગગડશે, સાથે વરસાદને લઈ પણ ખતરનાક આગાહી
ખસના વતની અને સમાજસેવક કાંતિલાલ લક્ષ્મીચંદ શાહ દ્રારા આ ભવનના કમ્પાઉન્ડ વોલ અને ગેટનું અનુદાન પ્રાપ્ત થયું હતું તેમજ ભાવેશભાઈ છબીલદાસ હકાણી પરિવાર તરફથી આખા ખસ ગામને ધુમાડાબંધ જમાડવાનો ખર્ચ આપવામાં આવ્યો હતો. જગદીશ ત્રિવેદી જેમાં નિમિત્ત થયા હોય એવી આ દસમી સરકારી શાળા હતી, તદુપરાંત સાત પુસ્તકાલય અને એક બાળ આરોગ્ય સેવાકેન્દ્ર મળીને એમનું વ્યક્તિગત દાન સાડા આઠ કરોડને પાર કરી ગયું છે.