ખુંટી જિલ્લાના જરિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ પોતાની પત્નીની લાશને ઘણા દિવસો સુધી ઘરમાં છુપાવીને રાખી હતી અને જ્યારે દુર્ગંધથી પરેશાન લોકોએ ઘરમાં ડોકિયું કર્યું તો મામલો સામે આવ્યો. ઘટના સામે આવ્યા બાદ પત્નીની હત્યાનો આરોપી પતિ ફરાર થઈ ગયો હોવાથી પોલીસે ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જરિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના બકાસપુર બરકાટોલીના રહેવાસી આરોપી પતિ પૂના બરલા અને તેની પત્ની માનતી બરલા અવારનવાર કોઈને કોઈ વાતને લઈને ઝઘડો કરતા હતા. બંને નશાના પણ બંધાણી હતા. અહેવાલો અનુસાર આ દરમિયાન ૩ જાન્યુઆરીની રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો અને તે પછી ગુસ્સે થયેલા પતિ પૂના બરલાએ સળગતા ચૂલ્હામાંથી લાકડું બહાર કાઢીને તેને ઢોર માર માર્યો હતો. જેના કારણે પત્નીનું મોત નિપજ્યું હતું. આ પછી આરોપી પતિએ તેની લાશને ઘરના પલંગ નીચે છુપાવી દીધી હતી. આ પછી, આરોપી પતિ રોજની જેમ સવારે તેના કામ પર નીકળી જતો અને સાંજે ઘરે પરત ફરતો અને ક્યારેક ગામમાં કોઈ વ્યક્તિના ઘરે જતો હતો. પરંતુ થોડા દિવસો બાદ ઘરમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ બંધ મકાનની અંદર ડોકિયું કર્યું તો સમગ્ર મામલો સામે આવ્યો. મૃતદેહમાંથી કીડા નીકળી રહ્યા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ આરોપી પતિને આ અંગેની જાણ થતાં તે ગામમાંથી ભાગી ગયો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મૃતકના ભાઈએ પોલીસને માહિતી આપી છે કે ૩૦ ડિસેમ્બરની રાત્રે તેણે તેની બહેન સાથે છેલ્લીવાર વાત કરી હતી. મૃતકના બે બાળકો એક જ ઘરમાં રહે છે.