અમદાવાદ: અમદાવાદમાં જ્વેલર્સની દુકાનોમાં જઈને સેલ્સમેનને વાતોમાં ભોળવી કિંમતી ઘરેણાં ચોરી કરતી એક અત્યંત શાતિર મહિલાને નરોડા પોલીસે દબોચી લીધી છે. આ મહિલા માત્ર વાતોમાં જ હોશિયાર નહોતી, પણ નજર ચૂકવીને અસલી દાગીનાની જગ્યાએ નકલી ઘરેણાં મૂકી દેવાની કળામાં પણ માહિર હતી. તેની ધરપકડથી નરોડા, ઓઢવ અને સાબરમતી વિસ્તારના 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
કોણ છે આ ‘બગસરા’ ક્વીન?
પોલીસના સકંજામાં આવેલી આ મહિલાનું નામ પ્રવીણા ઉર્ફે ટીની સેનવા (સોલંકી) છે. 45 વર્ષની આ મહિલા મૂળ ખેડા જિલ્લાની છે અને હાલ વડોદરામાં રહે છે. તેની પાસેથી પોલીસે 2.90 લાખની કિંમતના ચોરી કરેલા દાગીના જપ્ત કર્યા છે. તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે વર્ષ 2020 થી આવી ચોરીઓમાં સક્રિય છે અને તેની સામે વડોદરા, ખેડા અને અમદાવાદમાં અગાઉ 7 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.

મોડસ ઓપરેન્ડી: અસલી ગાયબ, નકલી હાજર!
આ મહિલાની ચોરી કરવાની રીત કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. તે શોરૂમમાં જઈને જેન્ટ્સ વીંટી બતાવવાનું કહેતી હતી. જ્યારે સેલ્સમેન દાગીના બતાવવામાં વ્યસ્ત હોય, ત્યારે તે વાતો કરી તેનું ધ્યાન ભટકાવતી અને પલકવારમાં અસલી સોનાની વીંટી ચોરી લેતી. પોતાની ચોરી પકડાય નહીં તે માટે તે પોતાની પાસે રાખેલી ‘બગસરા’ની નકલી વીંટી ત્યાં મૂકી દેતી હતી. આ કારણે જ્વેલરને તાત્કાલિક ચોરી થઈ હોવાનો અંદાજ આવતો નહોતો.
CCTV અને બાતમીએ ખેલ પાડ્યો
નરોડાના સોના-મોતી જ્વેલર્સમાં 31 ડિસેમ્બરે થયેલી ચોરી બાદ CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં મહિલાની હરકતો શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ તેજ કરી હતી. શુક્રવારે નરોડા પોલીસે બાતમીના આધારે નરોડા સ્મશાન ચાર રસ્તા પાસેથી તેને ઝડપી લીધી હતી. મહિલાએ કબૂલાત કરી છે કે છેલ્લા પાંચ મહિનામાં તેણે નરોડાના વિનાયક ગોલ્ડ પેલેસ સહિત અનેક સ્થળોએ હાથફેરો કર્યો હતો.