શહેરમાં કોરોનાની પહેલી અને બીજી લહેરની યાદ અપાવતા હોય તેવા દ્રશ્યો ફરી સર્જાઈ રહ્યા છે. આજે ઘાટલોડિયાના પ્રભાત ચોકમાં ટેસ્ટિંગ સેન્ટર પર લોકોની લાંબી લાઈન જાેવા મળી હતી. અહીં ટેસ્ટ કરાવવા આવેલા લોકોને ખાસ્સો સમય સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. અમદાવાદમાં હાલ ગુજરાતના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. એટલું જ નહીં, રાજ્યમાં ઓમિક્રોનના પેશન્ટ્સ પણ વધી રહ્યા છે.
સોમવારે કોર્પોરેશન દ્વારા ૨૧ નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. હાલ શહેરમાં કુલ ૬૫ માઈક્રો-કન્ટેન્મેન્ટ ઝોન છે. જેમાં ૨૪૦ મકાન અને ૯૦૪ લોકોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે સાત ઝોન નોર્થ-વેસ્ટ ઝોનમાં આવતા બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ, ચાંદલોડિયા જેવા વિસ્તારોમાં આવેલા છે. અમદાવાદ શહેરમાં ૦૩ જાન્યુઆરીના રોજ ૬૩૧ કેસ નોંધાયા હતા, જેની સામે ૩૨ લોકોને ડિસ્ચાર્જ અપાયો હતો.
ઓમિક્રોનના કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં ૩ જાન્યુઆરીએ સાત નવા કેસ નોંધાયા હતા, જેમાંથી પાંચ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે, જાેકે તેની સામે બે દર્દીઓ એવા પણ હતા કે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ના હોવા છતાંય તેમને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. અમદાવાદમાં અત્યારસુધી ઓમિક્રોનના ૫૭ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી ૨૪ને ડિસ્ચાર્જ આપી દેવાયો છે. રાહતની વાત એ છે કે, આખાા રાજ્યમાં ઓમિક્રોનને કારણે હજુ સુધી એકેય દર્દીનું મોત નથી થયું.
એક અનુમાન અનુસાર, અમદાવાદ તેમજ ગુજરાતમાં ઓમિક્રોનના કેસોની સંખ્યા હાલના આંકડાથી ઘણી વધારે હોઈ શકે છે. દર્દીને કોરોના થાય ત્યારબાદ તેને ઓમિક્રોન છે કે કેમ તે જાણવા માટે તેના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. જાેકે, ગુજરાતમાં તેની એક જ લેબ આવેલી છે, જેના પર હાલ કામનું ભારણ વધારે હોવાથી જિનોમ સિક્વન્સનો રિપોર્ટ આવવામાં ૧૦-૧૪ દિવસ જેટલો સમય લાગી જાય છે.
ઘણીવાર તો પેશન્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી તે ડિસ્ચાર્જ પણ થઈ ચૂક્યો હોય છે. કોરોનાના કેસ જેમ-જેમ વધી રહ્યા છે, તેમ-તેમ સારવાર હેઠળ રહેલા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે. સરકારી આંકડા અનુસાર, ૦૩ જાન્યુઆરીએ સાંજે છ વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં કુલ ૫૮૫૮ દર્દીઓ સારવાર હેઠળ હતા, જેમાંથી ૧૬ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, જ્યારે ૫૮૪૨ દર્દી સ્ટેબલ છે.