અમદાવાદ: 14 જાન્યુઆરીના ઉત્તરાયણના તહેવારને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ ચરમસીમાએ છે. અમદાવાદીઓ હોય કે સુરતીઓ—બધા જ ટેરેસ પર પતંગ ઉડાવવાની સાથે ઊંધિયું-પૂરી અને જલેબીની મજા માણવાની તૈયારીમાં લાગી ગયા છે.
પરંતુ આ ઉત્સાહ વચ્ચે એક ચિંતાજનક બાબત સામે આવી છે. બજારમાં ભેળસેળયુક્ત અને વાસી ઊંધિયું તથા જલેબી વેચાતી હોવાની ફરિયાદોને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે.

ઉત્તરાયણ પર્વને લઈ બજારોમાં ઊંધિયું અને જલેબી ખરીદવા ભારે ભીડ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે ખાદ્ય વિભાગે એક્શન મોડમાં આવીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતની મેટ્રો સિટીમાં ખાદ્ય વિભાગના અધિકારીઓએ અનેક દુકાનોમાં દરોડા પાડ્યા છે. શંકાસ્પદ લાગતા ઊંધિયા અને જલેબીના નમૂનાઓ લઈ લેબોરેટરી તપાસ હાથ ધરાઈ છે. સાથે જ જ્યાં ગંદકી, વાસી સામગ્રી અથવા આરોગ્યવિરોધી પરિસ્થિતિ જોવા મળી છે ત્યાં દુકાનોને સીલ પણ કરવામાં આવી છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી દાસ ખમણની દુકાનમાં ગંદકી અને વાસી માલસામાન મળતાં દુકાન સીલ કરવામાં આવી છે. બીજી તરફ સુરત શહેરમાં પણ ગંદકીથી ભરેલા રસોડાં સામે ખાદ્ય વિભાગ ત્રાટક્યું છે અને અનેક એકમો બંધ કરાવવામાં આવ્યા છે. રાજકોટમાં પણ ફૂડ વિભાગની સઘન કાર્યવાહી સામે આવી છે.
ખાદ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ઉતરાણ રસિકોની તહેવારની મજા બગડી ન જાય અને લોકોના આરોગ્ય સાથે કોઈ સમજૂતી ન થાય, તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે.
અમારી પણ સૌને અપીલ છે કે, ઉત્નીતરાયણની મજા લેતા પહેલા સ્વચ્છતા અને ગુણવત્તા પ્રત્યે સજાગ રહો. અજાણી અથવા શંકાસ્પદ જગ્યાથી ખાદ્યપદાર્થ ખરીદવાનું ટાળો. યાદ રાખો—તહેવારનો આનંદ ત્યારે જ સાચો, જ્યારે આરોગ્ય સુરક્ષિત હોય.