ગાંધીનગર: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પોતાના જ ઘરમાં કોઈ તમને કેમેરા સામે છ દિવસ સુધી ‘કેદ’ કરી શકે? અને એ પણ પોલીસના નામે? ગાંધીનગરમાં એક નિવૃત્ત વૃદ્ધ સાથે કંઈક આવું જ બન્યું. કુવૈતથી વતન પરત ફરેલા એક 67 વર્ષીય વડીલ ‘ડિજિટલ અરેસ્ટ’ નામના એવા માયાવી જાળમાં ફસાયા કે તેમણે જીવનભરની કમાણીના ₹35.25 લાખ ગુમાવી દીધા. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે સાયબર ઠગો હવે વર્દી પહેરીને તમારા ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી ગયા છે.
આજકાલ નકલીની બોલબાલા વધી ગઈ છે અને એમાં પણ નિર્દોષ પ્રજા નકલીના નામે અવારનવાર ઠગાઈનો ભોગ બની રહી છે ત્યારે તેની વચ્ચે વધુ એક ઠગાઈનો કિસ્સો ગાંધીનગરમાં બન્યો છે ત્યારે આવો જોઇએ શું છે કિસ્સો…..

TRAI ના નામે આવ્યો પહેલો કોલ
આ ઘટનાની શરૂઆત 11 ઓક્ટોબર 2025 ના રોજ થઈ હતી. ઠગોએ TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના કર્મચારી બનીને વૃદ્ધને ફોન કર્યો. તેમણે વૃદ્ધને ડરાવ્યા કે તેમના આધાર કાર્ડ પર ગેરકાયદેસર સિમ કાર્ડ ચાલે છે અને તેના દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફી તેમજ ગેરકાયદે જુગાર જેવા ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે.
પોલીસ વર્દી અને સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડર
વૃદ્ધને વિશ્વાસમાં લેવા માટે ઠગોએ વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો. ઠગ પોલીસની વર્દી પહેરીને બેઠો હતો જેથી વૃદ્ધ ડરી જાય. વિડીયો કોલ પર જ વૃદ્ધ પાસેથી આધાર કાર્ડની વિગતો મંગાવી અને તેમને સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડર તેમજ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડના ફોટા મોકલીને ધરપકડની ધમકી આપી.
6 દિવસ સુધી કેમેરા સામે ‘કેદ‘
ઠગોએ વૃદ્ધને કહ્યું કે તપાસ માટે તેમને 90 દિવસ કસ્ટડીમાં રહેવું પડશે, પણ જો તેઓ ‘ડિજિટલ વેરિફિકેશન’ માં સહકાર આપે તો બચી શકે છે. 11 થી 16 ઓક્ટોબર સુધી વૃદ્ધને વિડીયો કોલ દ્વારા સતત નજર હેઠળ રાખવામાં આવ્યા. તેમને ઘરની બહાર જવાની કે કોઈને વાત કરવાની મનાઈ ફરમાવી દેવાઈ હતી.
₹35.25 લાખની ઠગી અને નકલી રસીદ
આ 6 દિવસના માનસિક ટોર્ચર દરમિયાન, ઠગોએ વૃદ્ધ પાસેથી અલગ-અલગ બહાને કુલ 35.25 લાખ રૂપિયા પડાવી લીધા. નવાઈની વાત એ છે કે વૃદ્ધને જરા પણ શંકા ન જાય તે માટે ઠગોએ સરકારી રસીદ જેવી જ એક નકલી પહોંચ પણ આપી હતી.
વધુ પૈસાની માંગ થતા ભાંડો ફૂટ્યો
જ્યારે ઠગોની લાલચ વધી અને તેમણે વધુ પૈસા માંગ્યા, ત્યારે વૃદ્ધને કંઈક ખોટું થઈ રહ્યું હોવાનો અહેસાસ થયો. તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કર્યો. ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે હવે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
એટલે કે નાગરિકોને એ જ સલાહ છે કે, કોઈ પણ સરકારી એજન્સી વિડીયો કોલ પર તમારી ધરપકડ કે ‘ડિજિટલ અરેસ્ટ’ કરી શકતી નથી. આવા કોલ આવે તો તરત જ 1930 પર કોલ કરો.