અમદાવાદ: દિલ્હીમાં 77માં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત ‘સ્વતંત્રતાનો મંત્ર: વંદે માતરમ’ થીમ સાથે ભાગ લેશે. આ વર્ષે વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જે નિમિત્તે ગુજરાતની ઝાંખી રાષ્ટ્રધ્વજની ઐતિહાસિક સફર રજૂ કરશે.
દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં આ વખતે ગુજરાતની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમાં મેડમ ભીખાઈજી કામાથી લઈને આજના આધુનિક તિરંગા સુધીની વિકાસયાત્રાને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. યુરોપિયન યુનિયનના અતિથિઓની હાજરીમાં આ ઝાંખી ભારતની આન, બાન અને શાનને ઉજાગર કરશે.

મેડમ ભીખાઈજી કામા અને ઐતિહાસિક ધ્વજ ઝાંખીના અગ્ર ભાગમાં ક્રાંતિકારી મેડમ ભીખાઈજી કામાની પ્રતિમા જોવા મળશે. તેઓએ વર્ષ 1907માં વિદેશી ધરતી પર પ્રથમવાર જે ધ્વજ લહેરાવ્યો હતો, તેને અહીં ખાસ સ્થાન અપાયું છે. આ ધ્વજ પર ‘વંદે માતરમ’ અંકિત હતું. આ સાથે જ ભારતીય બંધારણની તમામ ભાષાઓમાં પણ વંદે માતરમ લખાયેલું જોવા મળશે.
રાષ્ટ્રધ્વજની ગૌરવશાળી યાત્રા ઝાંખીના મધ્ય ભાગમાં ભારતીય તિરંગાના બદલાતા સ્વરૂપોને આલેખવામાં આવ્યા છે. 1906ના કોલકાતાના ધ્વજથી શરૂ કરીને, એની બેસન્ટનો હોમરૂલ ધ્વજ, પિંગલી વેંકૈયાએ ગાંધીજીને ભેટ આપેલ ધ્વજ અને છેલ્લે 22 જુલાઈ 1947ના રોજ સ્વીકારાયેલા વર્તમાન તિરંગા સુધીની સફર અહીં જીવંત થશે.
ગાંધીજી અને આત્મનિર્ભર ભારતનો સંદેશ ઝાંખીના અંતિમ ભાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે વિશાળ ‘ધર્મ ચક્ર’ દર્શાવવામાં આવ્યું છે. જે ચરખા દ્વારા સ્વદેશી અને આત્મનિર્ભરતાનો સંદેશ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનની ઝલક પણ આ વિભાગમાં જોઈ શકાશે.
કસુંબીનો રંગ’ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ આ ઝાંખીને વધુ જીવંત બનાવવા માટે ઝવેરચંદ મેઘાણીના અમર ગીત ‘કસુંબીનો રંગ’ની સુરાવલીઓ રેલાશે. ગુજરાતના કલાકારો આ ગીત પર પોતાની કળા રજૂ કરીને સમગ્ર કર્તવ્ય પથને ગુજરાતી રંગે રંગી દેશે. ગુજરાતના માહિતી વિભાગ દ્વારા તૈયાર કરાયેલી આ ઝાંખી દેશભક્તિના જજબાને નવી ઊંચાઈ પર લઈ જશે.