ગુજરાત: મહારાષ્ટ્રના પુણે ખાતે આયોજિત 5મી નેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે ગુજરાતની ટીમ સજ્જ થઈને રવાના થઈ છે. પોરબંદરના સ્ટાર ખેલાડી ભીમા ખૂંટીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા સ્તરે ગુજરાતનું નામ રોશન કરવા માટે ખેલાડીઓ ઉત્સાહિત છે.

મહારાષ્ટ્રના પુણેમાં આવેલ જવાહરલાલ નહેરુ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજથી ગુજરાતની ટીમના લીગ મેચોનો પ્રારંભ થઈ રહ્યો છે. આ નેશનલ ટુર્નામેન્ટમાં દેશભરના 18 રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે, જેને અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવી છે.

ગુજરાતની ટીમ મહારાષ્ટ્ર અને મુંબઈ સામે ટકરાશે, જેમાંથી ટોપ-2 ટીમો દિલ્હી ખાતે રમાનારા ક્વોલિફાયર રાઉન્ડ માટે પસંદ થશે. ટીમમાં ભીમા ખૂંટી (કેપ્ટન), નિલેશ સોલંકી (વાઈસ કેપ્ટન) સહિત કુલ 14 ખેલાડીઓ અને કોચ સુરેશ વાઘેલાનો સમાવેશ થાય છે.

ગુજરાતની ટીમ છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં છે. અગાઉ વેસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી અને ઓરિસ્સામાં રમાયેલી સ્પર્ધામાં સેમીફાઈનલ સુધીની સફર ખેડી હતી. ખાસ કરીને કેપ્ટન ભીમા ખૂંટીએ તાજેતરમાં માત્ર 43 બોલમાં સદી ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કેપ્ટનનું માનવું છે કે જો આ દિવ્યાંગ ખેલાડીઓને રાજ્ય સ્તરે યોગ્ય સપોર્ટ મળે, તો તેઓ હજુ પણ વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે છે.

ટીમ ગુજરાતના ખેલાડીઓ: ભીમા ખૂંટી (કેપ્ટન), નિલેશ સોલંકી (વાઈસ કેપ્ટન), હિતેશ ડામોર, રમેશ ખરાડી, વિષ્ણુ રાવલ, પોપટ ઠાકોર, આશિક પઠાણ, અનવર સયેચા, નુર મામદ, ગોપાલ ભરવાડ, સુભાષ ધોબી, અભયસિંહ રાવલ, સંજય કોચરા અને સુરેશ વાઘેલા (કોચ).